જાપાનને પાછળ છોડી ભારતે ઓટોમોબાઈલ માર્કેટમાં ઇતિહાસ રચ્યો!

ગત વર્ષ ૨૦૨૨માં ભારતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ ૨૦૨૨માં ભારત જાપાનને પાછળ છોડીને વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયું છે. હાલમાં જ ઓટો માર્કેટ ઇન્ડસ્ટ્રી દ્વારા આપવામાં આવેલી માહિતી પરથી જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૨૨માં ભારતમાં કુલ ૪૨.૫ લાખ નવા વાહનોનું વેચાણ થયું છે. જ્યારે જાપાનમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન વાહનોના કુલ ૪૨ લાખ યુનિટનું વેચાણ થયું છે.આવી સ્થિતિમાં, વર્ષ ૨૦૨૨માં ભારત વિશ્ર્વના ત્રીજા સૌથી મોટા ઓટો માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૪૧.૩ લાખ વાહનોની ડિલિવરી કરવામાં આવી હતી. તે જ સમયે, વર્ષના અંત સુધીમાં, આ આંકડો ૪૨.૫૦ લાખ સુધી પહોંચી ગયો હતો. દેશની સૌથી મોટી ઓટો સેક્ટરની કંપની મારુતિ સુઝુકીએ ડિસેમ્બરમાં તેના વાહનોના વેચાણના આંકડા જાહેર કર્યા છે. આ પછી જાણવા મળ્યું કે ભારત વિશ્ર્વના ત્રીજા સૌથી મોટા ઓટો માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. જાપાન ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશને જણાવ્યું કે વર્ષ ૨૦૨૨માં જાપાનમાં વાહનોનું વેચાણ ઓછું રહ્યું છે. ગયા વર્ષે જાપાનમાં કુલ ૪૨ લાખ વાહનોનું વેચાણ થયું હતું, જે વર્ષ ૨૦૨૧ કરતાં ૫.૬ ટકા ઓછું છે.

ચીન વિશ્ર્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ છે. વર્ષ ૨૦૨૧માં ચીનમાં કુલ ૨.૬૨ કરોડ વાહનોનું વેચાણ થયું હતું. બીજા નંબર પર અમેરિકા હતું, જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૧.૫૪ કરોડ વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે વર્ષ ૨૦૨૧માં જાપાનમાં કુલ ૪૪.૪ લાખ વાહનોનું વેચાણ થયું હતું. તમને જણાવી દઈએ કે જાપાન ઘણા વર્ષોથી એશિયાનું સૌથી મોટું ઓટો માર્કેટ છે. વર્ષ ૨૦૧૮માં જાપાનમાં કુલ ૪૦.૪ લાખ વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે વર્ષ ૨૦૧૯માં કુલ ૪૦ લાખ વાહનોનું વેચાણ થયું હતું. વર્ષ ૨૦૨૦ માં, કોરોના રોગચાળાના પ્રથમ વર્ષમાં, ઓટો સેક્ટરને મોટો આંચકો લાગ્યો હતો અને જાપાનમાં વાહનોનું વેચાણ ૩૦ વર્ષથી ઓછું હતું.