જાપાનના વડાપ્રધાને ફુકુશિમાની માછલી ખાધી:સલામત અને સ્વાદિષ્ટ છે, રેડિયોએક્ટિવ પાણીના ભયથી ચીને સીફૂડના ઈમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે

જાપાને ફુકુશિમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં 12 વર્ષથી સંગ્રહિત રેડિયોએક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું છે. આ મામલે ચીન અને હોંગકોંગે ફૂકુશિમાના સી ફૂડને અસુરક્ષિત ગણાવીને તેના પર પ્રતિબંધ ​​​​લગાવ્યા છે. જેના જવાબમાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ બુધવારે ફુકુશિમાની માછલી ખાધી હતી.

જાપાનના વડાપ્રધાન કાર્યાલયે તેનો માછલી ખાતા વીડિયો શેર કર્યો છે. કિશિદાએ કહ્યું- આ માછલી ખૂબ જ સ્વાદિષ્ટ અને સુરક્ષિત છે. વીડિયોમાં કેટલાક મંત્રીઓ ફુકુશિમાની માછલી ખાતા પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોનો હેતુ એ સાબિત કરવાનો છે કે રેડિયોએક્ટિવ પાણીની ફુકુશિમાના સીફૂડ પર કોઈ ખરાબ અસર પડી નથી.

જાપાન સતત દાવો કરી રહ્યું છે કે તે પ્રશાંત મહાસાગરમાં જે 133 કરોડ લીટર રેડિયોએક્ટિવ પાણી છોડવામાં આવી રહ્યું છે તેનાથી વિશ્વને કોઈ ખતરો નથી. જો કે, ચીનમાં રેડિયોએક્ટિવ પાણી મામલે જાપાનના લોકો સામે નફરત વધી રહી છે. તાજેતરમાં કેટલાક લોકોએ ચીનમાં જાપાની દૂતાવાસ પર ઈંડા અને પથ્થરમારો કર્યો હતો.

જાપાનનું કહેવું છે કે યુએનની પરમાણુ એજન્સી IAEA એ રેડિયોએક્ટિવ પાણી દરિયામાં છોડવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. રેડિયોએક્ટિવ સામગ્રી છોડવા માટે, ALPS પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

આ પૂર્ણ થયા બાદ જ રેડિયોએક્ટિવ પાણી દરિયામાં છોડવામાં આવી રહ્યું છે. એક હજાર ટેન્કમાં સંગ્રહાયેલું પાણી એકસાથે નહીં, પરંતુ 30 વર્ષ સુધી છોડવામાં આવશે. દરરોજ 5 લાખ લિટર રેડિયોએક્ટિવ પાણી દરિયામાં છોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

અલ જઝીરાના અહેવાલ મુજબ, આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી સમુદ્ર પર તેની અસર ઓછી થાય. હાલમાં જે વિસ્તારમાં પાણી છોડવામાં આવશે તેના 3 કિલોમીટર સુધીના વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

રિચમોન્ડ નામના વૈજ્ઞાનિકે વિજ્ઞાનના મુદ્દાઓને આવરી લેતી વેબસાઈટ નેચરને જણાવ્યું કે 3 કિલોમીટરની ત્રિજ્યામાં માછીમારી પર પ્રતિબંધ મૂકવાથી કંઈ થશે નહીં. તેનું કારણ એ છે કે દરિયાઈ જીવો લાંબા અંતર સુધી જાય છે.

આ વિસ્તારની માછલીઓ અન્ય મોટી માછલીઓ દ્વારા ખાવામાં આવશે જે દરિયામાં દૂર સુધી જાય છે. જો આ માછલીઓ સી ફૂડ કંપનીઓ દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચે તો રેડિયોએક્ટિવ કણો સરળતાથી માનવ શરીરમાં પ્રવેશી શકે છે.

રિચમંડના જણાવ્યા અનુસાર આ રેડિયોએક્ટિવ પાણીની અસર કેટલો સમય રહેશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે.

આ તરફ સ્વીડનમાં ન્યુક્લિયર કેમેસ્ટ્રીના પ્રોફેસર માર્ક ફોરમેન કહે છે કે દરિયાઈ જીવો પર રેડિયેશનની અસર ઘણી ઓછી હશે, આમાં પ્રતિબંધ લગાવવા જેવી કોઈ જરૂર નથી.

11 માર્ચે 2011ના રોજ​​​​​​​ બપોરે 3.42 વાગ્યે જાપાનમાં 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે દરિયાઈ સ્તર સરકવાને કારણે સુનામી આવી હતી. ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ ફુકુશિમામાં દરિયા કિનારે બનેલા ન્યૂક્લિયર પ્લાન્ટના રિએક્ટર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. રિએક્ટરને ઠંડું કરવા માટે જનરેટર શરૂ કરવામાં આવ્યાં હતાં. ઇમર્જન્સી જનરેટર ગરમ રિએક્ટરને ઠંડું કરે તે પહેલાં, પાણી પ્લાન્ટમાં ફરી વળ્યું હતું.

આ પછી ઈમર્જન્સી જનરેટર બંધ થઈ ગયું હતું જેના કારણે હોટ રિએક્ટર ઓગળવા લાગ્યું. થોડા સમય પછી, ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં ભયંકર વિસ્ફોટ થવા લાગ્યા. પરમાણુ રિએક્ટરમાં ચેઈન રિએક્શનને રોકવા માટે આગામી કેટલાક મહિનાઓ સુધી તેને 133 કરોડ લિટર દરિયાઈ પાણી સાથે ઠંડું રાખવામાં આવ્યું હતું.

જેના કારણે 64 પ્રકારની રેડિયોએક્ટિવ સામગ્રી પાણીમાં ભળી ગઈ. તેમાંથી કાર્બન-14, આયોડિન-131, સીઝિયમ-137, સ્ટ્રોનટિયમ-90 કોબાલ્ટ, હાઇડ્રોજન-3 અને ટ્રાઈટિયમ એવા એલિમેન્ટ્સ છે, જે મનુષ્ય માટે હાનિકારક છે.

આમાંના મોટાભાગના રેડિયોએક્ટિવ મટીરિયલ્સની લાઈફ ખૂબ જ ટૂંકી હોય છે. જેના કારણે તેની અસર ખતમ થઈ ગઈ છે. જો કે, કાર્બન-14 જેવી કેટલીક સામગ્રી છે જેને ક્ષીણ થવામાં 5000 વર્ષ લાગે છે. વધુમાં, ટ્રાઈટિયમના કણો હજુ પણ ન્યૂક્લિયર રિએક્ટરના પાણીમાં હાજર છે.