જાપાનમાં સતત ૧૪મા વર્ષે વસ્તીમાં ઘટાડો થયો, વિદેશી રહેવાસીઓની સંખ્યામાં ભારે વધારો

ટોકયો, જાપાનની લોકોની વસ્તીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે વિદેશી રહેવાસીઓની સંખ્યા લગભગ ૩૦ લાખના વિક્રમજનક સ્તરે પહોંચી ગઈ છે. જાપાન સરકાર તરફથી બુધવારે વસ્તી અંગેનો ડેટા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે જાપાનના સમાજમાં ઘટતી વસ્તીની ભરપાઈ કરવામાં વિદેશી નાગરિકો મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે.

ઈન્ટરનલ એફેર્સ એન્ડ કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી તરફથી ૧લી જાન્યુઆરી, ૨૦૨૩ સુધી રેસિડેન્ટ રજિસ્ટ્રેશન કરનાર લોકોની સંખ્યા દર્શાવતા આંકડા અનુસાર, જાપાનના નાગરિકોની સંખ્યા સતત ૧૪મા વર્ષે ઘટી છે. દેશમાં લોકોની સંખ્યા લગભગ ૮૦૦૦૦૦ના ઘટાડા સાથે ૨૦૨૨માં ૧૨.૨૪ કરોડ થઈ ગઈ છે. જાપાનના સરકારી આંકડાથી ખબર પડે છે કે પહેલીવાર દેશના તમામ ૪૭ પ્રાંતોમાં જાપાનના નિવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જાપાનમાં કુલ વસ્તી ઘટીને ૧૨.૫૪ કરોડ રહી છે. જાપાનમાં વસ્તી ૨૦૦૮માં સૌથી ઉચ્ચસ્તરે હતી અને ત્યારથી વસ્તીમાં ઓછા જન્મદરને લીધે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

આ ગત વર્ષે વિક્રમજનક નીચલા સ્તરે પહોંચી છે. સરકારી આંકડા અનુસાર, જાપાનમાં વિદેશી નાગરિકોની સંખ્યા ૧લી જાન્યુઆરી સુધી ૨૯.૯ લાખ હતી, જે એક વર્ષ પહેલાંની તુલનામાં ૧૦.૭ ટકા વધુ છે. જાપાનની ઈન્ટરનલ મિનિસ્ટ્રીએ એક દાયકા પહેલા બિન-જાપાની શ્રેણીની વસ્તી પર નજર રાખવાનું શરુ કર્યું હતું. ત્યારબાદથી આ શ્રેણીમાં વાર્ષિક આધાર પર સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. આંકડાનું માનીએ તો ૪.૨ ટકા એટલે કે ૫૮૧,૧૧૨ લોકોની સાથે ટોક્યોમાં સૌથી વધુ વિદેશી નાગરિકો રહે છે. દેશની રાજધાની ટોક્યો ગત વર્ષે બિન-જાપાની વસ્તીમાં વધુ મોટી વૃદ્ધિ ધરાવતો પ્રાંત હતો. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ દેશમાં ઘટી રહેલા જન્મદરમાં સુધારો કરવાની બાબતને ઉચ્ચ પ્રાથમિક્તા આપી છે. જાપાનની સરકાર બાળકોની દેખભાળ અને માતા-પિતાના સમર્થનના અન્ય ઉપાયો પર પ્રતિ વર્ષ ૩.૫ ટ્રિલિયન યેન(૨૪.૮૪ બિલિયન ડોલર) ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે.