જાપાનનું એક એવુ સ્થળ જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે

ટોક્યો,

વર્તમાન સમયમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની છે. સમુદ્રથી લઈને અંતરિક્ષ સુધી એક્સાથે કામ કરી રહી છે. દુનિયાદારીની આ વાતોથી પર જ્યારે વાત આસ્થા અને રીતિરિવાજોની થાય છે તો મહિલાઓ અને પુરુષોમાં સરખામણીની વાતો અર્થવિનાની લાગે છે. આ પ્રથાઓ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં આજે પણ ચાલી રહી છે. જેમ અમુક સ્થળો પર મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હોવો. જાપાનમાં એક એવુ સ્થળ છે જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

ઓકિનોશિમા આયલેન્ડને યુનેસ્કોએ વિશ્ર્વ ધરોહર જાહેર કર્યુ છે. ૭૦૦ વર્ગ મીટરમાં ફેલાયેલા આ ટાપુ વિશે કહેવામાં આવે છે કે ચોથીથી નવમી સદી સુધી આ કોરિયાઈ પ્રાયદ્વીપ અને ચીન વચ્ચે વેપારનું કેન્દ્ર હતુ. આ આયલેન્ડને પવિત્ર સ્થળનો દરજ્જો મળ્યો છે. ત્યાં મહિલાઓની અવર-જવર પર પ્રતિબંધ છે. ત્યાં શિંટો ધર્મની પરંપરાઓનું આજે પણ પાલન કરવામાં આવે છે.

આ આયલેન્ડમાં ૧૭મી સદીમાં બનેલુ એક મંદિર છે. માન્યતા અનુસાર ત્યાં નાવિકોની સુરક્ષા માટે પ્રાર્થના થતી હતી. ત્યાં પૂજા પણ ખૂબ ખાસ રીતે થાય છે. જોકે ત્યાં પુરુષોના પ્રવેશ પર પણ એક રિવાજને અનુસરવો પડે છે. કહેવાય છે કે આ આયલેન્ડ પર ગયા પહેલા પુરુષોએ નિર્વસ્ત્ર થઈને નહાવુ જરૂરી હોય છે. ત્યાં નિયમ એટલા કડક છે કે આખુ વર્ષ માત્ર ૨૦૦ પુરુષ જ આ ટાપુ પર જઈ શકે છે. આ સિવાય પણ તેમને ઘણી વાતોનું ધ્યાન રાખવુ પડે છે. જેમ પુરુષ ત્યાં કોઈ પણ વસ્તુ પોતાની સાથે લઈ જઈ શક્તા નથી અને કોઈને પોતાનો અનુભવ શેર કરી શક્તા નથી.

પ્રાચીન માન્યતાઓ અનુસાર ત્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે કારણ કે આ આયલેન્ડને શરૂઆતથી જ એક જોખમી સ્થળ માનવામાં આવી રહ્યુ છે એટલે કે સુરક્ષાના કારણે તેમને ત્યાં પ્રવેશ પર મનાઈ કરવામાં આવે છે. મંદિરના એક મહંતનું કહેવુ છે કે હજારો વર્ષો જૂની પ્રથા બદલી શકાય નહીં એટલે કે મહિલાઓને ત્યાં ન આવવા દેવાનું બીજુ કારણ ત્યાંનો એક રિવાજ પણ છે, જેમાં પુરુષ ત્યાં નિર્વસ્ત્ર ફરે છે.