જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં:અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં શહેરોમાં રસ્તા પર ઊતર્યા

રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે. આ ઉપરાંત CREDAI દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે. જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહી જાય તેમ છે. જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માગ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ જંત્રી કોઇપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી તેવું નક્કી કરી રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને આના થકી મનપાને આ વર્ષે 50થી 100 કરોડનું નુકશાન થશે જયારે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે.

રાજકોટ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ સરકારે જંત્રીમાં સરવે કરી 20 નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 40 હજાર વેલ્યૂઝોન છે. જેમાંથી 17 હજાર અર્બન વિસ્તારમાં અને 23 હજાર ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યૂઝોન આવેલા છે. સરકારે પોતે દોઢ વર્ષ સરવે માટે લીધો અને જનતાને સૂચન માટે માત્ર 1 મહિનાનો સમય આપ્યો તે વાજબી નથી. અમારા સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં 200થી 2000 ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ક્રેડાઇ માગણી કરે છે કે, અમને રિવ્યૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં તો હાલ પ્લાન પાસ કરવા માટે જરૂરી ફાયર એન.ઓ.સી. આપવામાં આવતા નથી. કંપલીશન સર્ટીફીકેટ માટે જરૂરી ફાયર એન.ઓ.સી. પણ આપવામાં આવતા નથી. ટી.પી. સ્કીમ હેઠળ લાગુ પડતી 40%ની કપાત, કોઈ અગમ્ય કારણોસર રાજકોટમાં નવા પ્લાન તેમજ કંપલીશન સર્ટીફીકેટ લાંબા સમયથી આપવામા આવતા નથી આવા અનેક પ્રશ્નો સાથે ગુજરાત સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરવામાં આવશે.

દર વર્ષના બદલે 12 વર્ષે અચાનક વધારો કરતાં બિલ્ડર્સ નારાજ CREDAI અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ બાર વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો નથી. શહેરમાં ડેવલપમેન્ટને લઈને જંત્રીદરમાં વધારો કરવો જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી. જે-તે સમયે પણ CREDAI ગુજરાત અને અમદાવાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે રિવ્યૂ કર્યા વગર બજાર પર કેવી અસર થશે એ અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી.

200થી લઈ 2000 ટકા સુધીનો વધારો કરાયો ક્રેડાઈ અમદાવાદ દ્વારા સૂચિત જંત્રીદરને લઈને અભ્યાસ કર્યો છે, જેમાં પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે 200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી હશે, પરંતુ ગામડાં અને નાનાં શહેરોમાં ખૂબ વધારે ટકાવારી આ પહોંચશે. 12 વર્ષ સુધી સરકારે જંત્રીદર વધાર્યો નથી, પરંતુ રાતોરાત આ જંત્રીદર વધારી દેવામાં આવ્યો છે. શહેરના વિકાસ માટે જંત્રીદર વધારવો એ યોગ્ય છે, પરંતુ એકસાથે આટલો બધો વધારો અમલમાં મૂકવા જાય એ સ્વીકાર્ય નથી.