પટણા,
બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. જે બાદ ભારે હોબાળો થયો હતો. પરંતુ હવે સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ પણ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે ધર્મ કોઈ પણ હોય, અમે તેનું સન્માન કરીએ છીએ. પરંતુ ધર્મના નામે એક ચોક્કસ જાતિ, ચોક્કસ વર્ગને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું છે, અમે તેના પર વાંધો નોંધાવીએ છીએ.
સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે કરોડો લોકો રામચરિત માનસ વાંચતા નથી, આ બધુ બકવાસ છે. તુલસીદાસે પોતાની ખુશી માટે આ લખ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્ય આટલેથી જ અટક્યા નહોતા, તેમણે કહ્યું કે આ બાબતનું ધ્યાન રાખીને સરકારે રામચરિત માનસમાંથી વાંધાજનક ભાગને બાકાત રાખવો જોઈએ અથવા તો આ આખા પુસ્તક પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે તુલસીદાસના રામચરિતમાનસમાં કેટલાક અંશો છે, જેના પર અમને વાંધો છે. કારણ કે કોઈ પણ ધર્મમાં કોઈની સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર નથી. તુલસીદાસની રામાયણમાં ચોપાઈ છે. આમાં તે શુદ્રોને નીચી જાતિનું પ્રમાણપત્ર આપી રહ્યા છે.
સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે શું આ ધર્મ છે? જો આ ધર્મ હોય તો આવા ધર્મને હું વંદન કરું છું. એવા ધર્મનો નાશ થવો જોઈએ, જે આપણું સર્વનાશ ઈચ્છે છે. તેમણે કહ્યું કે જ્યારે તેમની કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવે છે, ત્યારે મુઠ્ઠીભર ધામક ઠેકેદારો જેઓ તેમની આજીવિકા મેળવે છે તે કહે છે કે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.
સ્વામી પ્રસાદ મૌર્યએ પણ બાગેશ્ર્વર ધામના પીઠાધીશ્ર્વર ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે આ દેશની કમનસીબી છે કે ધર્મના ઠેકેદારો જ ધર્મની હરાજી કરી રહ્યા છે. તમામ સમાજ સુધારકોના પ્રયાસોને કારણે આજે દેશ પ્રગતિના પંથે છે, પરંતુ આવી રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા બાબા સમાજમાં રૂઢિચુસ્ત પરંપરાઓ, છેતરપિંડી અને અંધશ્રદ્ધા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે જ્યારે બાબા પાસે તમામ રોગોની દવા છે તો સરકાર બિનજરૂરી રીતે મેડિકલ કોલેજો અને હોસ્પિટલો ચલાવી રહી છે. બધાએ બાબાના ઘરે જઈને દવા લેવી જોઈએ. તેમણે કહ્યું કે આનો અર્થ એ થયો કે બધા ભણેલા-ગણેલા ડૉક્ટરો નકામા થઈ ગયા છે અને હવે બાબા દવા કરશે.