જન્માષ્ટમી પૂજામાં ગયેલી બે સહેલીના મૃતદેહ મળતા સનસનાટી

ફરુખાબાદમાં કેરીના બગીચામાં એક જ ડાળી પર બે સહેલીના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. આથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. બનાવને જોતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વાસ્તવમાં બંને મિત્રો જન્માષ્ટમીના મેળામાં હાજરી આપવા માટે ઘરેથી નીકળ્યા હતા.

ભગૌતીપુર ગામના રહેવાસી રામવીર જાટવની ૧૮ વર્ષની પુત્રી બબલી અને મહેન્દ્ર જાટવની ૧૬ વર્ષની પુત્રી શશી પરસ્પર મિત્રો હતા. બંને જન્માષ્ટમીના મેળામાં ગયા હતા અને સોમવારે રાત્રે ૯ વાગ્યા બાદ ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી હતી પરંતુ તે ક્યાંય મળ્યા ન હતા. જ્યારે પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા ત્યારે ગામના મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમને ખબર પડી કે બંને અહીં આવ્યા નથી. પરિવારજનોએ આખી રાત અહીં-તહીં શોધખોળ કરી હતી.

ફરુખાબાદના પોલીસ અધિક્ષક આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે જિલ્લાના કયામગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં કેરીના બગીચામાંથી બે છોકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે બંને છોકરીઓ એક જ જાતિની છે અને નજીકની મિત્રો હતી. તેમણે કહ્યું કે બંને છોકરીઓ ગામના મંદિરમાંથી ગુમ થઈ ગઈ હતી જ્યાં તેઓ સોમવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઝાંખી જોવા ગઈ હતી અને ત્યારથી ઘરે પરત ફરી નથી.

એસપીએ કહ્યું કે તેમના પરિવારજનોએ આખી રાત બંને છોકરીઓની ખૂબ શોધખોળ કરી, પરંતુ તેઓ મળી ન હતી. તેમણે કહ્યું કે થોડા કલાકો બાદ મંગળવારે સવારે તેમના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તે જ ઝાડ પાસે એક મોબાઈલ ફોન મળ્યો હતો જ્યારે એક છોકરીના સામાનમાંથી સિમ કાર્ડ મળી આવ્યું હતું. તેમણે કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ મામલે અખિલેશ યાદવ દ્વારા એકસ પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં જન્માષ્ટમીના તહેવારના સાક્ષી બનવા માટે બહાર નીકળેલી બે છોકરીઓના ઝાડ પર લટકેલા મૃતદેહ મળ્યા એ ખૂબ જ સંવેદનશીલ ઘટના છે.

ભાજપ સરકારે તાત્કાલિક આ મામલાની નિષ્પક્ષ તપાસ કરી હત્યાના આ શંકાસ્પદ કેસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવો જોઈએ. આવી ઘટનાઓથી સમાજમાં ભયનું વાતાવરણ સર્જાય છે, જેના કારણે મહિલા સમાજને ઊંડો માનસિક આઘાત થાય છે. રાજકારણથી ઉપર ઉઠીને ‘મહિલા સુરક્ષા’ને ગંભીર મુદ્દા તરીકે ઉઠાવવાનો અનિવાર્ય સમય આવી ગયો છે.