- દાહોદના MLAની ઉજવણીને બદલે લોક પ્રશ્ર્નોને પ્રાથમિકતા : ધારાસભ્યએ એક પણ ઠેકાણે કેક કાપી નહી.
દાહોદ,
દાહોદના નવનિર્વાચિત ધારાસભ્યનો આજે જન્મ દિવસ છે. ત્યારે તેમને શુભેચ્છા આપવા માટે શહેર તથા ગ્રામ્યના કાર્યકરોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમ છતાં તેઓ સમગ્ર કાર્યક્રમો માંથી દાહોદ આવેલા પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજરને દાહોદના રેલવેના પ્રશ્ર્નોના નિરાકરણ માટે પહોંચી ગયા હતા. જેથી ઘણાં કાર્યકરોએ શુભેચ્છા પાઠવવા રાહ જોવી પડી હતી.
દાહોદ બેઠક પરથી કનૈયાલાલ કિશોરી હાલમાં જ ભાજપાના ધારાસભ્ય પદે ચુંટાઇ આવ્યા છે. તેઓએ આજે 40 વર્ષ પૂર્ણ કરીને 41 વર્ષમાં પ્રવેશ કર્યો હતો. જેેથી તેમનો જન્મ દિવસ હોવાથી ગત રાત્રે 12 વાગ્યાથી જ સોશ્યલ મિડીયામાં તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ થઇ ગયો હતો. વહેલી સવારે તેમણે માતા પિતાના આશીર્વાદ લઇને કેદારનાથ મહાદેવે દર્શન કર્યા પછી દાહોદ આવ્યા હતા. જ્યાં તેઓએ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સીલમાં દિવ્યાંગ તેમજ મંદબુધ્ધિના બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી. તેઓ એપીએમસીના ચેરમેન પણ હોવાથી એપીએમસીમાં વેપારી મહાજનો અને ખેડૂતોે દ્વારા તેમને શુભેચ્છા પાઠવવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 41 દિવડા પ્રગટાવી તેમને અનોખી રીતે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ત્યાર બાદ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ઘણાં કાર્યકરોએ નાના મોટા આયોજન કર્યા હતા. પરંતુ બીજી તરફ આજે પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર આજે દાહોદમાં રેલવે વર્કશોપની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ધારાસભ્યએ તમામ શુભેચ્છા કાર્યક્રમો પડતાં મુકીને જનરલ મેેનેજરને મળવા માટે પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ કોરોનામાં બંધ થયેલી તમામ ટ્રેનો શરૂ કરવા, ટુવ્હીલરનું પાર્કિંગ ફરી શરૂ કરવા તેમજ રહેમરાહે યોગ્ય લાભાર્થીઓને તાત્કાલિક નોકરી આપવામાં આવે, રેલવે કોલોનીના જર્જરિત મકાનો નવા બનાવવામાં આવે, ઉપરાંત રેલવે કર્મચારીઓની પડતર માંગણીઓ પૂર્ણ કરવા અને ખાસ કરીને દાહોદ, વલસાડ ઇન્ટરસીટી અને રતલામ મેમુ પ્લેટફોર્મ નંબર 1 પરથી દોડાવાય તેમજ બંધ કરાયેલા તમામ સ્ટોપેજ ફરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
આ ઉપરાંત તેઓએ છાપરીમાં અંધજન શાળામાં બાળકો સાથે પણ ઉજવણી કરી તેમનું મોઢું મીઠુ કરાવ્યું હતું. તેમજ ધામરડામાં 101 વિધવા બહેનોને શાલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તેઓએ દાહોદ વૃધ્ધાશ્રમમાં રહેતા સીનીયર સીટીઝન્સના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાંસદ જશવંતસિંહ ભાભોર લોકસભાના સત્રમાં હોવાથી તેમણે લેખિત શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર મહામંત્રી નરેન્દ્રભાઇ સોની, જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ પ્રમુખ સુધીરભાઇ લાલપુરવાલા સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. જો કે, ધારાસભ્યએ તમામ કાર્યક્રમોમાં કેક કાપવાનો ઇન્કાર કર્યો હતો અને કેક સ્વીકારી બાળકોને સુપ્રત કરી દીધી હતી. દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના, શહેર પ્રભારી ભરતસિંહ સોલંકી, વિજયભાઈ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નિકુંજ મેડા, શહેર પ્રમુખ પ્રશાંત દેસાઇ, મહામંત્રી અર્પિલ શાહ, અભિષેક મેડા, જિલ્લા પંચાયત સભ્ય જીથરાભાઇ ડામોર, રમણ ભાભોર, નીરજ મેડા તેમજ સુરેન્દ્રસિંહ નાયક વિગેરેએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.