જન્મદાતા માં-બાપ જ બાળકીનાં પાલનની જવાબદારી સ્વીકારે: કોર્ટ

મુંબઈ,

લગ્નેતર સંબંધથી જન્મ થયો હોવાથી અનૌરસ ઘોષિત કરાયેલી બાળકીનું પાલનપોષણ તેની જન્મદાતા માતા અને પિતાને સોંપતો ચુકાદો બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં આપ્યો છે.

ન્યા. મનિષ પિતળેએ જણાવ્યું હતું કે પોતાના કોઈ વાંક વિના સગીર બાળકીને નિરાધાર ગણી કાઢવી એ સ્વીકાર્ય નથી અને બાળકીના હિતને પ્રાધાન્ય આપીને કોર્ટ અરજીનો સકારાત્મક વિચાર શકી શકે છે. અરજી બાળકીની જન્મદાતા માતા અને પિતા દ્વારા કરવામાં આવી હતી.

કેસની વિગત અનુસાર બાળકીની માતા હિન્દુ હતી અને ૨૦૦૫માં માતાએ ઈસ્લામ અંગિકાર કરીને પ્રતિવાદી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન દરમ્યાન બાળકી અવતરી હતી આમ આ બાળક તેમનું સંતાન ગણાતાં તેને મુસ્લિમ ગણવામાં આવ્યું હતું અને જન્મદાખલામાં તેનો ઉલ્લેખ કરાયો હતો.બાદમાં જણાયું હતું કે બાળકીનો પિતા તેેની માતાનો પતિ નથી અને પ્રતિવાદી અને બાળકીની માતા જુદા થઈ ગયા અને ૨૦૦૫માં છૂટાછેડા લીધા હતા.

બાળકીની કસ્ટડી તેની માતાને સોંપાઈ હતી, જ્યારે પ્રતિવાદીએ તેના ઉછેરમાં કોઈ રસ દાખવ્યો નહોતો. તેમછતાં અરજદાર અને પ્રતિવાદીના લગ્ન દરમ્યાન બાળકીનો જન્મ થયો હોવાથી શિયા કાયદો લાગુ થયો હતો જે અનુસાર આવું અનૌરસ બાળકનું કોઈ પાલક ગણી શકાય નહીં અને તે અનાથ ગણાય છે.આથી માતા અને પિતા હયાત હોવા છતાં બાળકને અનાથ ગણીને તેને મિલક્તના વારસા અને અધિકારથી વંચિત રાખવામાં આવી હતી.

અરજદારોએ અરજીમાં જણાવ્યું હતું કે આથી સગીરાના અધિકારનો ભંગ થાય છે અને ખાસ કરીને તેનો આમા કોઈ વાંક નથી. તેમણે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા ટાંક્યા હતા જેમાં જણાવાયું છે કે જ્યારે પણ ગાડયન અને વોર્ડ એક્ટ તેમ જ પર્સનલ લો વચ્ચે ઘર્ષણ થાય ત્યારે બાળકના કલ્યાણને પ્રાધાન્યતા આપીને ગાડયન અને વોર્ડ એક્ટને પ્રાધાન્યતા આપવામાં આવે.