જન્મદિવસે જ ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા,નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લીધા

  • શપથગ્રહણ પહેલા માતા-પિતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા

જયપુર, રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા તેમના માતા-પિતાના પગ ધોયા અને આશીર્વાદ લીધા હતા. ભજનલાલ શર્મા રાજસ્થાનના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

ભજનલાલ શર્મા આજે એટલે કે ૧૫મી ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. નસીબજોગે આજે તેમનો જન્મદિવસ છે. તેમની ઉંમર ૫૬ વર્ષ છે. પોતાના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ભજનલાલ માટે બેવડી ખુશી છે. મહત્વનું છે કે, ભજનલાલે ગુરુવારે રાત્રે ૧૨ વાગ્યા પછી સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને તેમના સમર્થકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ધોલપુરમાં કરવામાં આવશે.

રાજસ્થાનમાં આજે ભજનલાલ શર્માનો રાજ્યાભિષેક યોજાયો હતો. જયપુરના આલ્બર્ટ હોલમાં બપોરે ૧૨ વાગ્યે શપથગ્રહણ કાર્યક્રમ શરૂ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા,રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, પીયૂષ ગોયલ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. આ સિવાય યુપીના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના નવા સીએમ મોહન યાદવ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત, વસુંધરા રાજે, અર્જુનરામ મેઘવાલ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, ત્રિપુરાના સીએમ માણિક સાહા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પહોંચ્યા હતા.

આજે વહેલી સવારથી જ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ વચ્ચે સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી હતી આલ્બર્ટ હોલ તરફ જતા તમામ રસ્તાઓને પોસ્ટરો અને બેનરોથી શણગારવામાં આવ્યા હતા. સોગંદવિધિ સમારંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં

રાજસ્થાનમાં ભાજપને ૧૧૫ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને ૬૯ બેઠકો મળી હતી. રાજ્યની ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન થયું હતું. એક બેઠક પર ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ભજનલાલ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. મંગળવારે પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડેની હાજરીમાં ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં તેમને મુખ્ય પ્રધાન-નિયુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

વસુંધરા રાજેએ ધારાસભ્ય દળના નેતા તરીકે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે દિયા કુમારી વિદ્યાનગરથી ધારાસભ્ય છે. જ્યારે બૈરવા ડુડુ બેઠક પરથી ધારાસભ્ય છે. અજમેર ઉત્તરના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીને સ્પીકર બનાવવામાં આવ્યા છે.દિયા કુમારીએ ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં રાજસમંદથી ચૂંટણી જીતી હતી. તેમણે ૫.૫૧ લાખથી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. દિયા કુમારી જયપુરના રાજવી પરિવારમાંથી છે. તેમણે ૨૦૧૩માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે બે વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ પણ છે. વસુંધરા રાજે, દિયા કુમારી, ગજેન્દ્ર શેખાવત, બાબા બાલકનાથ, રાજવર્ધન રાઠોડ પણ સીએમની રેસમાં હતા. પરંતુ ભાજપ હાઈકમાન્ડે સૌને ચોંકાવી દીધા અને ભજનલાલની પસંદગી કરી.ચૂંટણી પંચમાં દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ ૫૬ વર્ષીય ભજનલાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમની કુલ જાહેર કરેલી સંપત્તિ ૧.૪૦ કરોડ રૂપિયા. તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલી ૨૦૨૩ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને ૪૮,૦૮૧ મતોના માર્જીનથી હરાવીને સાંગાનેર બેઠક જીતી હતી. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. જોકે ભજનલાલ શર્મા ચાર વખત ભાજપના પ્રદેશ મહાસચિવ રહી ચૂક્યા છે. આરએસએસ અને એબીવીપી સાથે પણ લાંબા સમયથી જોડાયેલા છે.