- શાળાના પ્રકૃતિનું જતન પ્રોજેક્ટ અંતર્ગત ચકલી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થા ચણ નાખવા માટે અન્યને પણ પ્રેરે છે.
- વિદેશમાં વસતા જસિતભાઈ પટેલે પોતાના પૌત્રના જન્મ દિવસની ઉજવણી આ શાળામાં કરી : શાળાને રૂ.પાંચ હજારનું દાન કર્યું.
આપણા ઘરમાં કે મિત્ર વર્તુળમાં કોઈનો જન્મ દિવસ હોય તો તેની ઉજવણી સામાન્ય રીતે આપને હોટલ કે પાર્ટી પ્લોટમાં પરિવાર સાથે સંગીતની મોજ અને કેક કાપી કરતા હોઈએ છીએ. પરંતુ કોઈ વ્યક્તિ પોતાના પૌત્રના જન્મ દિવસની ઉજવણી પોતાના વતનથી અંદાજે 65 કી.મી. દૂર જઈ કોઈ પ્રાથમિક શાળામાં કરે તે વાત પ્રથમ નજરે તો માની જ ના શકાય.
પરંતુ હા, આ માની શકાય એવી વાત છે. હવે વાત એમ છે કે, નડિયાદના વિદેશમાં વસતા જસિતભાઈ વિઠ્ઠલભાઈ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર નવા બોભા પ્રાથમિક શાળાની પ્રકૃતિના જતન અંગેની માહિતી વાંચી. શાળામાં જે બાળકનો જન્મ દિવસ હોય તે બાળક જન્મદિવસની ઉજવણી ચોકલેટ કે કેક કાપીને નહી પરંતુ પક્ષીઓ માટે ચણ લઈને બાળકો શાળામાં આવે છે. આ કાર્ય તેમને ખૂબ જ ગમ્યું અને તેમાંથી પ્રેરણાથી જસિતભાઈ પોતાના પૌત્ર નીલ ઉદયભાઈ પટેલના જન્મ દિવસે પોતાના ગામથી 65 કિલોમીટર દૂર કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળામાં આવી પક્ષીઓને ચણ માટેનું અનાજ આપી પૌત્ર નીલના જન્મ દિવસની બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી. જસિતભાઈ એન.આર.આઈ. હોવા છતાં જીવદયાની ભાવનાથી પ્રેરાઈને પશ્ચિમી સંસ્કૃતિના રંગે ન રંગાતા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શાળાના બાળકોની સાથે, પ્રકૃતિના સાંનિધ્યમાં પૌત્રનો જન્મદિવસ ઉજવી પ્રકૃતિ જતન અને પક્ષી પ્રેમનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. જસિતભાઈએ શાળાને રૂા.પાંચ હજારનું દાન પણ આ અવસરે કર્યું હતું.
ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળામાં “પ્રકૃતિનું જતન” પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી ચાલે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પ્રકૃતિના જતન સાથે બાળકોમાં પક્ષી પ્રેમ વધે તેવો છે. આ હરિયાળી શાળામાં પક્ષીઓને પાણી પીવા માટે કુંડા તથા એમાંય ખાસ કરીને ચકલીઓના ખોરાક માટે ચણની વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્રામજનો અને બાળકોના સહયોગથી ચકલીઓને લુપ્ત થતી અટકાવવા સરાહનીય પ્રયાસો આ શાળા દ્વારા કરવામાં આવી રહ્યા છે.
નવા બોભા પ્રાથમિક શાળામાં બાળકો જન્મ દિવસ “આજનો દીપક” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સામાન્યત: જન્મ દિવસે દરેક બાળક ચોકલેટ વહેચતા હોય છે, જન્મ દિન નિમિત્તે ચોકલેટની જગ્યાએ દરેક બાળક શાળામાં ચકલીઓ માટે ચણ લઈને આવે છે અને ચકલીઓને ચણ નાખી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરે છે. બાળકોમાં પક્ષી પ્રત્યે પ્રેમ વધે અને પ્રકૃતિનું જતન કરતા થાય તેવા સરાહનીય પ્રયાસો નવા બોભા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે સરાહનીય છે.