લોક્સભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. બીજેપી સમર્થિત એનડીએે ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કર્યો છે. જો કે આ વખતે વિપક્ષી ગઠબંધને એનડીએને આકરી ટક્કર આપી છે. દરમિયાન, પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ ૪૨માંથી ૩૦ બેઠકો પર આગળ ચાલી રહી છે. વલણો વચ્ચે, ટીએમસીએ કહ્યું કે આ પરિણામો મમતા સરકારની જનહિતકારી નીતિઓમાં લોકોનો વિશ્વાસ અને ભાજપ સામે નિરાશાનું વાતાવરણ દર્શાવે છે.
ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર મતગણતરીનાં અનેક રાઉન્ડ બાદ ટીએમસી ૩૧ સીટો પર આગળ હતી. જ્યારે ભાજપ ૧૦ અને કોંગ્રેસ એક સીટ પર આગળ છે. ટીએમસીના પ્રવક્તા શાંતનુ સેને કહ્યું કે રાજ્યની જનતાએ જનાદેશથી બંગાળ વિરોધી શક્તિઓને હરાવી છે. પરિણામો સ્પષ્ટ કરે છે કે એક્ઝિટ પોલ ભાજપ તરફી મીડિયા દ્વારા એક છેતરપિંડી હતી. તમને જણાવી દઈએ કે, ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં ટીએમસીએ ૨૨ સીટો પર જીત મેળવી હતી, જ્યારે બીજેપીને ૧૮ સીટો અને કોંગ્રેસે બે સીટો પર જીત મેળવી હતી. ટ્રેન્ડને કારણે ટીએમસી કાર્યકરોમાં ઉત્સાહ છે.
રિપોર્ટ્સ અનુસાર, બંગાળમાં ટીએમસી કાર્યર્ક્તાઓ જય બાંગ્લા, ટીએમસી ઝિંદાબાદ અને ભાજપ હાય-હાયના નારા લગાવી રહ્યા છે. ટીએમસી સમર્થકો જાદવપુર, કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, ડાયમંડ હાર્બર, બેરકપુર, આસનસોલ, દુર્ગાપુર-બર્ધમાન અને અન્ય શહેરોમાં રસ્તાઓ પર ઉજવણી કરી રહ્યા છે. મોટાભાગના લોકો ટીએમસી સુપ્રીમોની તસવીરો અને પાર્ટીના ચિહ્નના કટ આઉટ્સ લઈને આવ્યા હતા.
જાદવપુરમાં ટીએમસીના એક કાર્યર્ક્તાએ કહ્યું કે ઉજવણીની શરૂઆત જ થઈ હતી. મતદારોએ બહારના લોકોની દખલગીરી અને પીએમ મોદીની ટિપ્પણીઓને નકારી કાઢી છે. લોકોએ દીદી અને અભિષેક બેનર્જીને વોટ આપ્યા છે. શાંતનુએ રાષ્ટ્રીય સ્તરના વલણો પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે લોકોએ ભાજપના ઘમંડ અને કુશાસન સામે મતદાન કર્યું છે. પરિણામો સ્પષ્ટ કરે છે કે ભાજપની નૈતિક અને રાજકીય રીતે હાર થઈ છે.