જામનગરમાં કુટણખાનાનો પર્દાફાશ:નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રના ઘરમાં કલરફુલ ડાન્સબાર, વીજચોરી સાથે 6 AC સહિતની સુવિધાઓ મળી

જામનગરના રણજીતનગર વિસ્તારમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ટેમ્પો ટ્રાવેલ્સમાં આ અનૈતિક પ્રવૃત્તિ ચલાવતા હતા.

પોલીસે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે. આરોપીના રહેણાંક મકાનની તપાસ દરમિયાન પ્રથમ માળે એક આધુનિક ડાન્સબાર મળી આવ્યો છે.

ડાન્સબારમાં 25થી 30 કલરફુલ લાઈટો, મોટી સાઉન્ડ સિસ્ટમ અને રાઉન્ડ સોફા સેટ હતા. મકાનમાં કુલ 6 એરકન્ડિશનર, 3 રેફ્રિજરેટર, 4 ઓવન અને 3 ગીઝર લગાવેલા હતા. યુવતીઓ અને ગ્રાહકો માટે અલગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

વીજ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વીજ થાંભલામાંથી સીધું કનેક્શન લઈને વીજચોરી કરતો હતો. વીજ વિભાગે તેમને 2.70 લાખનું બિલ ફટકાર્યું છે અને કનેક્શન કાપી નાખ્યું છે.

પોલીસ તપાસમાં દેશભરની 25 યુવતીઓ અને 40 ગ્રાહકોના મોબાઈલ નંબર મળી આવ્યા છે. મોબાઈલની કોલ ડિટેલ્સના આધારે આ માહિતી મળી છે. પોલીસે મોબાઈલનું પંચનામું કરાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.