જામનગરનાં સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ સાથે છેડછાડની અફવાથી દોડધામ

જામનગર,

જામનગરની હરિયા કોલેજમાં જિલ્લાની પાંચેય બેઠકના મતદાન પછી ઇવીએમ મશીનોને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ઇવીએમ મશીનમાં છેડછાડ થઈ હોવાની અફવા શરૂ થયા પછી કોંગ્રેસના બે ઉમેદવારોએ સ્ટ્રોંગરૂમના સ્થળે દોડી જઇ ફરિયાદ કરી હતી. વહીવટી તંત્ર પણ રાત્રિના દોડતું થયું હતું અને સીસીટીવી કેમેરાઓ ચકાસી લીધા પછી આખરે કોંગ્રેસના ઉમેદવારો પરત ફર્યા હતા.

જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારની ચૂંટણીનું મતદાન થઈ ગયા પછી ઇવીએમ મશીનોને સીલ કરીને જામનગરની હરિયા કોલેજમાં ઊભા કરાયેલા રિસીવિંગ સેન્ટરમાં સ્ટ્રોંગ રૂમ બનાવીને સીલ કરવામાં આવ્યા છે. જે સીલ કરેલા મશીનમાં છેડછાડ થઈ હોવાની ગઈ કાલે મોડી સાંજે અફવા ઉડી હતી. ૭૭-ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ કુંભારવાડીયા તથા ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત મહિલા કોંગી અગ્રણી વગેરે હરિયા કોલેજ માં ઉભા કરાયેલા સ્ટ્રોંગરૂમના સ્થળે દોડી ગયા હતા. ઉપરાંત વહીવટી તંત્રને ફરિયાદ કરતાં જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી.ડી. શાહ પણ હરિયા કોલેજના સ્થળે પહોંચ્યા હતા.

જ્યાં કોંગી ઉમેદવારોએ સ્ટ્રોંગ રૂમને ખોલવાની માંગણી કરી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા સીલ તોડવા માટેની ના પાડી હતી, પરંતુ ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને ચકાસવા માટેની છૂટ આપી હતી અને સ્થળ પર કેમેરાઓની ચકાસણી કરી લેવાઇ હતી. જો કે ઇવીએમ સાથેની છેડછાડ એકમાત્ર અફવા હોવાથી આખરે ઉમેદવારો તથા વહીવટી તંત્ર પરત ફર્યું હતું.