જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર પેટ્રોલ પંપને તસ્કરોએ બનાવ્યું નિશાન

જામનગર, જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાયવા ગામના પાટીયા પાસે આવેલા એક પેટ્રોલ પંપને ગઈ રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા એક લાખ તેર હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવાઈ છે. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો દેખાયા હોવાથી પોલીસ દ્વારા તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં રહેતા ગીરીરાજસિંહ હરિશ્ર્ચંદ્ર સિંહ ગોહિલ કે જેઓની માલિકીનો વિરાજ પેટ્રોલિયમ નામનો પેટ્રોલ પંપ જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટીયા પાસે આવેલો છે. જે પેટ્રોલ પંપના કર્મચારીઓ ગઈ રાત્રિના ઓફિસના તાળા મારીને બહાર સુતા હતા, જે દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ પેટ્રોલ પંપના દરવાજાના લોક તોડી નાખી, અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને ટેબલના ખાનામાં રાખેલી પેટ્રોલ પંપના હિસાબની એક લાખ તેર હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.

સવારે છ વાગ્યે પેટ્રોલ પંપના કર્મચારીઓએ જાગીને ચેક કરતાં ઓફિસના દરવાજાના તાળા તૂટેલા જણાયા હતા, જ્યારે અંદર ટેબલના ખાના તથા અન્ય માલ સામાન વેરણ છેરણ જણાયો હતો. તેથી તેઓએ તુરતજ પેટ્રોલ પંપ ના માલિક ગીરાજસિંહ ગોહિલ ને જાણ કરતાં તેઓ રાજકોટ થી જાયવા ગામે આવી પહોંચ્યા હતા, અને પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતાં રાત્રિના ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચાર તસ્કરો આવ્યા હોવાનું, જેમાં બે તસ્કરો બહાર રેકી કરતા હોવાનું અને બે તસ્કરો અંદર ચોરી કરવા માટે ઘૂસયાનું જોવા મળ્યું હતું. જેથી તેઓએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી, અને રૂપિયા ૧ લાખ ૧૩ હજારની રોકડ રકમની ચોરી થઈ ગયા અંગેની ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને ધ્રોલના પી.એસ.આઇ પી.જી. પનારા તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ નિહાળીને ચોર ટોળકી ને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.