જામનગર,
વિમેન્સ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી ૧૩ ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. કુલ ૪૦૯ ખેલાડી ઉપર ૯૦ સ્થાન માટે બોલી લાગશે. આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ સામેલ છે. લીગના તમામ ૨૨ મેચ ૪થી ૨૬ માર્ચ સુધી મુંબઈમાં રમાશે. સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને જામનગર માટે ગૌરવ લેવાની બાબત એ છે કે આ હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડી જયશ્રી જાડેજા (બેટર) અને નેહા ચાવડા (ઑલરાઉન્ડર)ને સ્થાન મળ્યું છે મતલબ કે ફ્રેન્ચાઈઝીઓ આ ખેલાડીને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આ બન્ને ખેલાડીઓની બેઝ પ્રાઈઝ ૧૦ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ટૂર્નામેન્ટમાં સામેલ થનારા તમામ ખેલાડીઓનું લિસ્ટ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ બેઝ પ્રાઈસ ૫૦ લાખ રૂપિયા છે. ૨૪ ખેલાડીઓએ આ બેઝ પ્રાઈસ માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે મતલબ કે તેમની હરાજી ૫૦ લાખ રૂપિયાથી શરૂ થશે. ૧૦ ભારતીય ખેલાડીઓ આ બેઝ પ્રાઈસમાં સામેલ છે તો ૧૪ વિદેશી ખેલાડીઓ એવા છે જેમણે પોતાની કિંમત ૫૦ લાખ રૂપિયા નક્કી કરી છે.ભારતીય ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, પૂજા વાકર, ૠચા ઘોષ, સ્નેહ રાણા અને મેઘના સિંહ એવા ખેલાડી છે જેમણે પોતાની મુળ કિંમત ૫૦ લાખ રૂપિયા નક્કી કરી છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર, એલિસ પેરી, મેગ લૈનગ, એલિસા હિલી, જેસ જોનાસેન, ડાર્સી બ્રાઉન, ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન, નેટ સાઈવર-બ્રન્ટ, ડૈની વ્યાટ, કૈથરીન સાયવર-બ્રન્ટ, ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન, આફ્રિકાની સિનાલો જાતા, વિન્ડિઝની ડિયાન્ડ્રા ડોટિન અને ઝીમ્બાબ્વેની લોરિન ફિરી એવી ખેલાડી છે જેમણે પોતાની બેઝ પ્રાઈસ ૫૦ લાખ રૂપિયા નક્કી કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
કુલ ૪૦૯ ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૨૪૬ ભારતીય છે. ભારતીયોમાં સૌથી વધુ ૨૧ ખેલાડી કર્ણાટક અને ૨૦ મહારાષ્ટ્રના છે. જ્યારે સૌરાષ્ટ્રના બે, ત્રિપુરા, બિહાર, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલયની એક-એક ખેલાડી હરાજીમાં સામેલ થશે. આ ઉપરાંત રેલવેના ૧૯, ઉત્તરપ્રદેશના ૧૭, દિલ્હીના ૧૪, મહારાષ્ટ્રના ૧૩, બંગાળ, પંજાબ, મધ્યપ્રદેશના ૧૨, બરોડાના ૧૦, આંધ્ર-તમીલનાડુના નવ, ઉત્તરાખંડ, કેરળ ઓરિસ્સાના ૭, ઝારખંડના છ, હરિયાણા, હિમાચલ, હૈદરાબાદ, વિદર્ભ રાજસ્થાનના ૫, ગુજરાત-ગોવાના ચાર-ચાર, છત્તીસગઢના ત્રણ ખેલાડીઓ ઉપર હરાજી થશે.