જામનગરની જી. જી હોસ્પિટલનો પટાવાળો ૪૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયો

જામનગરની જીજી હોસ્પિટલમાં ૭ જૂનના રોજ એસીબી દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પરંતુ, ટ્રેપની ગંધ આવી જતા તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે બાબતે એસીબીએ ગુનો નોંધી આરોપી પટાવાળાની શોધખોળ હાથ ધરી હતી. જે મળી આવતા એસીબીએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરની જી.જી હોસ્પિટલ મેડિકલ બોર્ડના પટાવાળા અશોક પરમારે એક શિક્ષક અરજદારને ફિટનેસ સટફિકેટ આપવા માટે રૂપિયા ૪૫૦૦૦ની લાંચની માંગણી કરી હતી અને રૂપિયા ૨૦,૦૦૦ તાત્કાલિક લઈ લીધેલા અને બાકી રહેતી લાંચની રકમ રૂપિયા ૨૫ હજારની રોકડ સૌપ્રથમ આંગડિયા મારફતે મોકલવાનું ત્યારબાદ રૂબરૂ આવી આપી જવાનું ફરિયાદી દ્વારા એસીબીને જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જીજી હોસ્પિટલમાં એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી પટાવાળો અશોક પરમારે ફરિયાદી પાસેથી પંચની હાજરીમાં રૂપિયા ૨૫,૦૦૦ સ્વીકારેલ પરંતુ એસીબીની ટ્રેપનો શક પડી જતા લાંચની રકમ ફરિયાદીને પરત આપી દઈ ફરિયાદીના હાથમાં રખાવી ફરિયાદીનું કાંડુ બળજબરી પૂર્વક પકડી રાખી પાવડર વાળી નોટો નળના પાણીમાં ધોળાવી નાખી મુદ્દાની નોટ પર લગાવવામાં આવેલ પાવડરના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરી લાંચ ની રકમ ફરિયાદીને પરત આપી દીધેલ અને અગાઉ પોતે લઈ લીધેલ રૂપિયા ૨૦,૦૦૦ પણ પરત આપી દેશે તેમ જણાવી બનાવ સ્થળેથી નાસી છૂટેલા આરોપી પટાવાળો અશોક પરમાર જે ફરાર હતો તેને આજરોજ એસીબી દબોચી લીધો છે અને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.