- મહિલાના મોત બાદ પતિએ કહ્યું- ’મારી પત્નીની એક મહિલાએ ગળું દબાવી હત્યા કરી.
- પીએમ રિપોર્ટ કહે છે, હાર્ટ-એટેકથી મોત.
જામનગર,
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના માનસિક વિભાગના વોર્ડમાં દાખલ થયેલી એક મહિલાનું ગઈકાલે રાત્રે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું. જે મહિલાના મૃત્યુ અંગે મૃતકના પતિ દ્વારા અન્ય એક માનસિક બીમાર મહિલા દર્દીએ ગળું દબાવી દીધું હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સામે આવેલા સીસીટીવીમાં બે મહિલા ઝપાઝપી કરતી કેદ થઈ છે, પરંતુ એને કારણે મોત થયું હોય એવાં કોઈ દૃશ્યો નજરે પડતાં નથી.
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૯માં રહેતી મધુબેન અશોકભાઈ ભટ્ટીજાણી નામની ૪૦ વર્ષની સિંધીલોહાણા મહિલા કે જે છેલ્લાં ૨૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેને ગત ૨૬મી તારીખે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલના માનસિક વિભાગના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં ગઈકાલે રાત્રે તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પતિ અશોકભાઈ હરદાસભાઇ ભટ્ટીજાણીએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મધુબેનના પતિ અશોકભાઈ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે પોતાની પત્ની જે વોર્ડમાં દાખલ હતી, તેના વોર્ડમાં જ ચાર નંબરના બેડ પર દાખલ થયેલી માનસિક બીમાર એવી યુવતીએ આવેશમાં આવી જઇ પોતાના પત્નીનું ગળું દબાવી દીધું હોવાનું જણાવ્યું હતું. જોકે સામે આવેલા સીસીટીવીમાં બે મહિલાઓ વચ્ચે થતી ઝપાઝપી નજરે પડે છે, પણ એના કારણે મોત થયું હોવાનું પુરવાર નથી થયું. જ્યારે પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનો ખુલાસો થયો છે.
આ અગાઉ જામનગરની જીજી હોસ્પિટલમાં સુપરવાઈઝર અને કોન્ટ્રેકટર પર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાના પડઘા ગાંધીનગરમાં પડયા હતા. અને સમગ્ર કેસની તપાસ માટે એક સમિતિ રચવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હાલ જીજી હોસ્પિટલ વિવાદમાં આવી છે.