જામનગર, જામનગરનાં વિરપુરમાં સાળા અને સસરાએ ભેગા મળી જમાઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મંદિરમાં ધાર્મિક કાર્ય માટે એકત્રિત થવા સમયે ઝઘડો થયો હતો. આ સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાનાં વીરપર ગામે ધાર્મિક કાર્ય માટેલોકો ભેગા થયા હતા. જ્યાં છેલ્લા ઘણા સમયથી ચાલતા બે પરિવાર વચ્ચેનાં વિવાદને લઈ બંને પરિવાર વચ્ચે બોલાચાલી થવા પામી હતી. જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલીક ઘરે પહોંચી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ જામજોધપુરનાં લીલોઈ ગામે રહેતા વીરા પાલા કાપરીયાનાં લગ્ન પુના માંડણ વીરમની બહેન સાથે સમાજનાં રીત-રિવાજ મુજબ થયા હતા. બે વર્ષથી વીરમની બહેનને વીરા પાલ તેડવા જતો ન હતો. જે બાબતે છેલ્લા ઘણા સમયથી બંને પરિવાર વચ્ચે મનદુ:ખ ચાલી રહ્યું હતું. ત્યારે ગત રોજ વીરપર ગામે માતાજીનાં મંદિરે ધામક કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં બંને પરિવારો ભેગા થઈ જતા બોલાચાલી થવા પામી હતી. જે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા વીરાપાલા કાપરીયા પર જીવલેણ હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આ ગુનામાં પોલીસે પુના માડણ વીરમ તેમજ માંડણ આલમ વીરમ, રાજુ માડણ વીરમ, નાથા માડણ વીરમ સહિત અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.