જામનગરના સાધના કોલોની વિસ્તારમાં સાદીયા પરિવારના ત્રણ વ્યક્તિ પતિ-પત્ની અને પુત્રના અંતિમ સંસ્કાર

  • જામનગરમાં જે બિલ્ડિંગ ધરાશાયી થયું તેમાં મૃત્યુ પામેલા પરિવારના ઘરમાંથી ૭ પક્ષી જીવીત મળ્યા.

જામનગર : સાધના કોલોની વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક દુર્ઘટના સર્જાઇ હતી. એમ-૬૯ નંબરનું બિલ્ડીંગ કે જેનો અડધો હિસ્સો ધરાસાઈ થઈ ગયો હતો, અને ૬ ફ્લેટ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા, જે બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક વેપારીએ જગ્યા ભાડે રાખી હતી, અને ગઈકાલે ગ્રાઉન્ડ ફ્લોરમાં મકાનનો હિસ્સો ધીરે ધીરે પડી રહ્યો છે, તેવા સંકેત મળતાં પોતાના ફ્લેટની અંદરની તૂટેલી જર્જરિત દિવાલો અને ઊખડી રહેલું પ્લાસ્ટર વગેરેનો પોતે વિડીયો બનાવ્યો હતો. ઉપરાંત બપોર સુધીમાં તેમણે તેમાંથી પોતાનો માલ સામાન પણ સહી સલામત રીતે ફેરવી નાખ્યો હતો. ત્યારબાદ સાંજે દુર્ઘટના સર્જાઇ હતી.

જામનગરના સાધના કોલોની બ્લોક નંબર એમ-૬૯ કે જે બિલ્ડીંગમાં શુક્રવારે દુર્ઘટના સર્જાઈ હતી, તે બિલ્ડીંગમાં બે ત્રણ દિવસથી નીચેનો ભાગ ધીમે ધીમે ધસી રહ્યો હોવાના સંકેતો સ્થાનિક રહેવાસીઓને મળ્યા હતા. અકસ્માતગ્રસ્ત બિલ્ડીંગ કે જેના ગ્રાઉન્ડ ફ્લોરનો એક ફ્લેટ જામનગરના એક વેપારી દ્વારા ભાડેથી રખાયો હતો અને પોતે ફ્રીજ, એ.સી. વગેરે રીપેરીંગનું કામકાજ કરે છે અને તેઓએ ગઈકાલે સાંજે પોતાના ફ્લેટમાં દિવાલનો હિસ્સો ધીમે ધીમે ખરી રહ્યો હતો, તેમજ દીવાલમાં અનેક તિરાડો પડવા લાગી હતી, જેનો પોતે વિડિયો બનાવી લીધો હતો અને મકાન માલિક અથવા વહીવટી તંત્રને બતાવવા માટેના પ્રયાસો કર્યા હતા.

એટલું જ માત્ર નહીં દુર્ઘટના સર્જાય તેનાથી ત્રણ કલાક પહેલાં જ તેણે ફ્લેટ ની અંદરથી પોતાનો માલ સામાન બહાર કાઢી લીધો હતો અને અન્યત્ર ફેરવી લીધો હતો. જેથી કોઈ વ્યક્તિ અંદર હાજર ન હતી, અથવા તો તેનો માલ સામાન પણ બહાર નીકળી ગયો હતો. પરંતુ તેણે બનાવેલો વિડિયો આજે શહેરમાં વાયરલ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા આ બિલ્ડીંગ મામલે ગંભીરતા દાખવાઈ નથી. ફલેટ ખાલી કરાવી લીધા હોત તો કદાચ જાનહાની પણ નિવારી શકાઇ હોત. અગમચેતીના ભાગરૂપે અન્ય ફ્લેટ ધારકો બહાર નીકળી ગયા હોવાથી તેઓનો બચાવ થયો છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારની દુર્ઘટનામાં એક પરિવારની ત્રણ વ્યક્તિ કાળનો કોળીયો બની ગઈ હતી, પરંતુ ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ વાક્ય અહીં ખરું સાબિત થયું છે. પરિવારના ઘરમાંથી પક્ષીના બે પિંજરા સહી સલામત રીતે મળી આવ્યા છે. જેમાં પાંચ બજરીગર અને બે કબૂતરને રાખવામાં આવ્યા હતા અને મૃતકોનો પરિવાર તેની સારસંભાળ કરતો હતો. ઉપરોક્ત ધસી પડેલા બિલ્ડીંગનો કાટમાળ ખસેડતી વખતે ફાયર વિભાગની ટીમને તેમાંથી પક્ષીના બે પીંજરા મળી આવ્યા હતા અને બહાર કાઢ્યા હતા. જેમાં રહેલા તમામ સાત પક્ષીઓ જીવીત અવસ્થામાં મળ્યા હતા. સાધના કોલોની વિસ્તારના પાડોશીઓએ બન્ને પક્ષી સાથેના પિંજરાને પોતાના ઘરમાં રાખ્યા હતા અને પક્ષીઓને મોડી સાંજે ખાવા પીવાની વ્યવસ્થા પણ કરી હતી અને તેને જરૂરી ખોરાક આપ્યો હતો.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં સાદીયા પરિવારના ત્રણ વ્યક્તિ પતિ-પત્ની અને પુત્ર કે જે ત્રણેય મૃત્યુને ભેટ્યા હતા તે ત્રણેય મૃતકોને જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમથી હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા તેમના અન્ય કુટુંબીજનોના ઘર પાસે લઈ જવાયા હતા. ત્યાં સવારે ૧૦.૩૦ વાગ્યે ત્રણેયની એકી સાથે અર્થી ઉઠી હતી, અને અંતિમ વિધિ માટે લઈ જવાયા હતા. આ વેળાએ સમગ્ર હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ હતી, અને અશ્રુઓનો દરિયો છલકાયો હતો. નાના બાળકને હાથમાં લઈને પગે ચાલીને અંતિમવિધિ માટે લઈ જવાયું હતું, જ્યારે દંપત્તીની ખંભે ઉચકીને અર્થી કાઢવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વખતે હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં શોકમગ્ન વાતાવરણ બન્યું હતું, અને બહોળી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા હતા.