ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કચ્છની બાજુમાં આવેલા જામનગર જીલ્લામાં આસના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. પૂર અને અતિભારે વરસાદને કારણે જામનગર શહેર પૂરગ્રસ્ત થઈ ગયું છે.
પૂર અને વરસાદને કારણે જામનગરના તીન બત્તી ચોક વિસ્તારમાં આવેલા બદરી કોમ્પ્લેક્સનાં ભોંયરામાં હજુ પાણી ભરાયેલા છે પાણી જમા થવાથી ચારેબાજુ ગંદકી દેખાઈ રહી છે. જે દુકાનોને નુક્સાન થયું છે તે લોકો ટ્રેક્ટરમાં માલ ભરીને બહાર આવી રહ્યા છે.
જામનગરમાં વરસાદી પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. સામાન્ય લોકો તેમના ઘરોમાંથી સામાન એકત્ર કરવામાં વ્યસ્ત છે ત્યારે મોટા મોલ અને દુકાનોમાં પણ પાણી ભરાવાને કારણે તમામ સામાન ડૂબી ગયો છે અને નુક્સાન થયું છે. જામનગર ગ્રામ્ય તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે સસોઈ ડેમના પાણીના પ્રવાહના લીધે આમરા તથા શાપર ગામે ખેતરના સીમ વિસ્તારમાં પાણી ફરી વળતા ખેતમજૂર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા. તેમને બચાવવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી.
આ રેસ્કયુ ઓપરેશનમાં આર્મીની ટીમ, જિલ્લા વહીવટી તંત્ર સાથે તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ જામનગર ગ્રામ્યના અધિકારીઓ, પોલીસ તથા સ્થાનિક માછીમારોની સહિતનાઓએ સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશનની સરાહનીય કામગીરીમાં સહયોગ આપી લોકોની મહામુલી જિંદગી બચાવવામાં મદદરૂપ થતાં સમગ્ર પરિવારે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.