જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીની ચોંકાવનારી ફરિયાદ નોંધાય છે. જેમાં જકાતનાકા પાસે રહેતા અને સોની કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનને અરવલ્લીના શખ્સે ૩૧.૧૧ લાખનો ધુંબો માર્યો હોવાનું સામે આવ્યું છે. યુવાનને કાર લેવી હોવાથી એકાદ વર્ષનું વેટિંગ હતું ત્યારે આરોપીએ ગાંધીનગરમાં મારી ઓળખાણ છે અને તમને ૧૫ દિવસમાં કાર અપાવી દઈશ. તેવી મોટી મોટી વાતો ઝીંકી જુદા જુદા સમયે ૩૧.૧૧ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારબાદ કાર અને રૂપિયા ન આપી હાથ ઊંચા કરી દેતા છેતરપિંડીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ અંગે જામનગરના જકાતનાકા વિસ્તારમાં રાજ રાજેશ્ર્વરી સોસાયટીની શેરી નંબર ત્રણમાં રહેતા પુરુષોત્તમભાઈ ત્રીકમભાઈ કણજારીયા નામના ૪૫ વર્ષીય યુવાને આરોપી હર્ષદ નટવરલાલ ચૌહાણ (રહે મોડાસા જિલ્લો અરવલ્લી) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર પુરુષોત્તમભાઈને આજથી ત્રણ વર્ષ પહેલા હર્ષદ નટવરલાલ ચૌહાણ ટેલીફોનીક વાતચીત થઈ હતી. બાદમાં મિત્રતા થઈ હતી. જેમાં પુરુષોત્તમભાઈને મહિન્દ્રા કંપનીની કાર -૭૦૦ મોડલની કાર ખરીદવી હતી અને જામનગર મહિન્દ્રાના શો રૂમમાં એકાદ વર્ષનું વેઇટીંગ હતું.
જ્યારે યુવાનને ઉતાવળ હોવાથી હર્ષદ નટવરલાલ ચૌહાણને વાત કરી હતી. ત્યારે આરોપીએ કહ્યું હતું કે કાર ખરીદવી હોય તો ગાંધીનગર ખાતેના પરમ ઓટો મોબાઈલમાં પંદર દિવસમાં મળી જશે. ત્યાં મારે ઓળખાણ છે. એટલે હું તમને ગાંધીનગર ખાતેના પરમ ઓટો મોબાઈલ માંથી મહિન્દ્રા કાર-૭૦૦ મોટર કાર ખરીદ કરાવી આપી તેમ કહી આંબા આંબલી બતાવી હતી. પ્રથમ કમિશન પેટે ૨.૬૦ લાખ રૂપિયા કમિશન પેટે જમાં કરાવ્યા હતા.
બાદમાં તા.૯/૦૬/૨૦૨૨ ના રોજ મને હર્ષદભાઇ ચૌહાણનો ફોન આવેલ અને જણાવેલ કે, મહિન્દ્રા કાર-૭૦૦ મોટર કારના બુકિંગ કરવા માટે હું બેંકના ખાતા નંબર માટે ચેકનો ફોટો પાડીને વોટસએપ મારફત મોકલી આપુ છું તે એકાઉન્ટમા ૨૫,૦૦૦ બુકિંગ પેટે જમા કરાવ એટલે આ હર્ષદભાઇએ મોકલાવેલ પુષ્પેન્દ્રસિંગ શેખાવતના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા. બાદ તા. ૧૩/૦૬/૨૦૨૨ ના રોજ ૭,૨૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદ ફરી ફોન આવતા તા.૨૦/૦૬/ ૨૦૨૨ ના રોજ ૧૨,૫૦,૦૦૦ ઓનલાઈ ન ટ્રાન્સફર કર્યા હતા.
આટલા થી ન અટક્તા ફરી તા.૩૦/૦૬/૨૦૨૨ ના રોજ રૂપિયાની માંગ કરતા ૭ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તા.૩૦/૦૭/૨૦૨૨ ના રોજ ૫૧,૦૦૦ રૂપિયા આ હર્ષદભાઈના કહેવા પ્રમાણે પરમ ઓટો મોબાઇલના એકાઉન્ટ નં. ૩૨૪૪૦૫૦૦૦૮૮૧ આઇ.સી.આઇ.સી. જમાં કરાવ્યા હતાં.આમ જુદાજુદા સમયે જુદા જુદા બહાના હેઠળ કારની ખરીદી માટે ૩૧.૧૧ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા ત્યારબાદ કાર ન આવતા પરસોતમભાઈએ આરોપી હર્ષદભાઈ ને કાર ક્યારે આપશો? તેઓ સવાલ કર્યો હતો.
આ વેળાએ આરોપીએ વોટસએપ મારફતે ફોટા મૂકી અને જણાવ્યું હતું કે તમારી ગાડી આવી ગયેલ છે અને બે દિવસમાં મળી જશે. છતાં પણ આરોપી કાર આપતો ન હોય અને તપાસ કરતાં હકીક્તમાં તે ગોળ ગોળ જવાબ આપતો હતો આથી પરસોતમભાઈ ને છેતરપિંડી થયા અંગેનો અનુભવ થતા તેમણે મોટરકાર કે પૈસા પરત આપવાની માંગ કરતા આરોપીએ ભરતભાઈ પૈસા આપ્યા ન હતા. જેને પગલે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે હાલ સીટીસી ડિવિઝન પોલીસમાં આરોપી હર્ષદ ચૌહાણ સામે ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ.આર.ડી ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.