જામનગરમાં ખેડૂતના ઘરમાંથી ૨.૧૦ લાખના દાગીના ચોરો ચોરી ગયા

જામનગર,જામનગરમાં તસ્કરોનો તરખાટ આજે પણ યથાવત રહ્યો છે. દિવસેને દિવસે ચોરીની નિત નવી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં આજે હાપા માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા ખેડૂતના મકાનમાં તસ્કરોએ ખાતર પાડયુ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રગતિમાન કર્યા છે.

સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી ચોરીના આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર એક દિવસ અગાઉ ફનચરના શોરૂમને નિશાન બનાવ્યા બાદ આ વખતે તસ્કરોએ ખેડૂતના ઘરને નિશાન બનાવ્યું છે. હાપા માર્કેટીંગ યાર્ડ નજીક રહેતાં ધર્મેશભાઈ દેવશીભાઈ ચૌહાણ નામના ખેડૂતની ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યો ચોરે તેમના ઘરમાં દરવાજાનો લોક તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.

ચોરે ઘરમાં ખાખા-ખોળા કરી કુલ આઠ તોલા જેટલા સોનાની ચોરી કરી હતી. જેમાં ધર્મેશભાઈના બાપદાદાના વખતનો રૂા. ૩૭,૫૦૦ ની કિંમતનો જૂનો સોનાન એક હાર અને રૂા. ૫૦૦૦ની કિંમતની બે તોલાની લકી રૂા. ૫૦,૦૦૦ની કિંમતની બે નંગ સોનાની ધંગડી, રૂા. ૧૨,૫૦૦ ની કિંમતની બે નંગ સોનાની વિંટી, રૂ.૪૦,૦૦૦ની કિંમતનો એક તોલા સોનાનો ચેઈન, રૂા.૨૦,૦૦૦ ની કિંમતનું અડધા તોલાનું સોનાનું પેંડલ એક કુલ રૂા.૨,૧૦,૦૦૦ ની કિંમતના દાગીના ચોરી થયાનું હોવાનું કરિયાદમાં જણાવ્યું હતું. ધર્મેશભાઇની ફરિયાદ બાદ પોલીસ કાફલો ચોરીના બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજની મદદ લઈ અજાણ્યા તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.