જામનગરમાં ૧૦૦ વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડી પડાયુ, ૧૫ હજાર લોકોનું સ્થળાંતર

જામનગર, જામનગરમાં બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજજ છે. આશરે ૧૦૦ વર્ષ જૂના જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે બુલડોઝર ફેરવી આ જર્જરીત હાલતમાં રહેલા જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે.

જામનગરમાં વાવાઝોડાને લઈને જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે. કમિશનરે વાવાઝોડાને લઈને પ્રતિકિયા આપી છે. જામનગર શહેરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. તારીખ ૧૪ અને ૧૫ જૂનના રોજ શહેરમાં ૮૦ વધુ કેએમપીએસની ઝડપે પવન ફૂંકાશે.

વાવાઝોડાના પગલે જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે જામનગર તંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બંદરની નજીક રહેતા ૧૫ હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવશે. લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. શહેરમાં ૩૦ જેટલા શેલ્ટર હોમ ઊભા કરવામાં આવ્યા છે. જામનગરની તમામ સ્કૂલો પણ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ જામનગરમાં જર્જરિત ઇમારતોને કારણે કોઇ જાનહાની ન થાય તે માટે તે ઇમારતોને ઉતારી લેવાની કામગીરી શરુ કરવામાં આવી છે. સૌથી પહેલા તો જામનગરમાં ૧૦૦ વર્ષ જૂના રેલવે સ્ટેશનને જ તોડી પડાયુ છે. આજે વહેલી સવારથી જ તેની તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જામનગરના કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં બીપરજોયની અસર જોવા મળી રહી છે. કાલાવડ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારો વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળ જોવા મળ્યા હતાં કાલાવડ શહેર સહિત તાલુકાના નિકાવા, હરિપર, નાનાવડાલા, નવાગામ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.વરસાદ પડતાં જાહેરમાર્ગો પર પાણી ફરી વળ્યાં છે. ૧ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. વરસાદના કારણે જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ છે.