
જામનગર જિલ્લામાં આજે સવારથી મેઘમહેર થઈ રહી છે. જેને લઈને શહેરીજનોના હૈયા પુલકીત થયા છે. ત્યારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં સવા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. જ્યારે કાલાવડ તાલુકાની વાત કરીએ તો સવા ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદી વાતાવરણને લઈ હાલારમાં આબુ લેજો માહોલ સર્જાયો હતો.બીજી બાજુ જામજોધપુર તથા લાલપુરમાં ૧-૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ ખંભાળિયામાં આજે પણ માત્ર ૨ કલાકમાં સાડા ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાથે જ ધ્રોલ, જોડિયા પંથક આજે કોરા ધાકર રહ્યા હતા.
જોકે સામાન્ય વરસાદે હાલારના અમુક સ્થળે ઉપાધીના ઘોડાપૂર ઉમટ્યા હતા. જામનગરમાં માત્ર સવા એક ઇંચ વરસાદમાં જ અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થયા હતા. અમુક સોસાયટીમાં પાણી ભરતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.
જામનગર જિલ્લામાં લાવડીયામાં અનરાધાર વરસાદ વરસી પડતા નદીઓ ગાંડીતૂર બની હતી. જેને લઇને નદીઓ બે કાંઠે વહેતા નદીના નીર જામનગરના રણજીતસાગર ડેમમાં પહોંચી રહ્યા છે. તે જ રીતે જામજોધપુરમાં આવેલ સોગઠી ડેમ ઓવરલો થયો હતો.
વાત કરીએ દ્વારકા જિલ્લાની તો હાબરડીમાં મેઘરાજાએ તાંડવ રચતા ખેતરોના પાળા તોડી પાણી સીધા ત્રાટક્યા હતા. જ્યારે ખંભાળિયામાં ૨ કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદથી માર્ગો જાણે નદીઓ હોય તેવા દ્ર્શ્યો સજયા હતાં.
જેમાં બાળકો અને લોકોએ ન્હાવાનો આનંદ લીધો હતો. વધુમાં ખંભાળિયા રેલવે સ્ટેશન રોડ જીવીજે હાઈસ્કૂલ નજીક વૃક્ષ પડતા રસ્તા પર વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતી.