જામનગર ગ્રામ્ય પંથકમાં રૂપિયા ૫૦ લાખથી વધુની વીજ ચોરી પકડાઈ

જામનગર, જામનગર ગ્રામ્ય પંથકમાં સતત ચોથા દિવસે પણ વીજ ચેકિંગ યથાવત્ જોવા મળ્યું છે. તંત્ર દ્વારા વીજ ચેકિંગની કામગીરી ચાલુ રાખતા તપાસનો ધમધમાટનો દોર ચાલુ રહ્યો છે. જામજોધપુર, લાલપુર તાલુકામાં પણવીજ કંપનીની ૫૦ ટીમો દ્વારા ૫૩૭ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી કેટલીક ગેરરીતિ જણાતા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સોમવારથી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વીજ કંપની દ્વારા શહેર અને ગામડાઓમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુરૂવારે પણ વીજ કંપનીઓની ૫૦ જેટલી ટીમો દ્વારા ૫૩૭ વીજ જોડાણો ચેક કર્યા હતા. જેમાંથી ૧૦૬ વીજ કનેકશનોમાં ગેરરીતિ જોવા મળી હતી. આ મામલે વીજ કંપની (પીજીવીસીઓલ)એ રૂપિયા ૫૦.૧૭ લાખનો દંડ ફટકાર્યો હતો.

જામનગર તાલુકાના સરમત, બાખાબાવળ, મસીતીયા, કનસમુરા, ઢીંચડા તેમજ જામજોધપુર તાલુકાના ભણગોર, સણોસરી, આંબરડી, વનાણા વગેરે ગ્રામ્ય પંથકમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ અભિયાન શરૂ કરાયું હતું.

મળતી માહિતી મુજબ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાર દિવસમાં વીજ કનેકશનની તપાસ આદરવામાં આવી હતી જેમાં આશરે ૨ કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હોવાનું ખુલ્યું છે.