જામનગર ડેન્ટલ કોલેજ ખાતે વધુમાં વધુ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ ઉત્તમ રહેણાંક સુવિધાઓ પૂરી પાડવા માટે નવીન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમ આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં સભ્ય રિવાબા જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગર ડેન્ટલ કોલેજ ખાતે નવીન યુ.જી. હોસ્ટેલના નિર્માણ માટે રૂ. ૩૭.૩૮ કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજ ખાતે હયાત હોસ્ટેલમાં ૪૦૦ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. નવી યુ.જી. હોસ્ટેલનું નિર્માણ કામ પૂર્ણ થતાં વધુ ૩૩૦ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.
ગીર અભયારણ્યની ગત એક વર્ષમાં ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી: ૬,૪૯૭ વિદેશી પ્રવાસીઓ
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્ર્નના પ્રત્યુતર મંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય ખાતે ૧,૯૩,૪૧૫ પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં ૧,૮૬,૯૧૮ ભારતીય અને ૬,૪૯૭ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પેટે રાજ્ય સરકારને રૂ. ૪,૯૨,૦૦,૩૫૦ની આવક થઇ છે.
તેમણે ઉમેર્યું કે, આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓ ની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે. અભયારણ્યની મુલાકાતના બુકિંગ માટેના એક પૂરક પ્રશ્ર્નના જવાબમાં ઉમેર્યું કે, પ્રવાસીઓએ મુલાકાત માટે વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ કરવાનું હોય છે. આ બુકિંગ જો મુલાકાતીઓ દ્વારા કેન્સલ કરવામાં આવે તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે. જેમાં મુલાકાત તારીખથી ૧૦ દિવસ પહેલા મુલાકાતી બુકિંગ કેન્સલ કરાવે તો ૭૫% રકમ, ૫ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો ૫૦% રકમ, ૨ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો ૨૫% રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતી દ્વારા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો રકમ પરત કરવામાં આવતી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.