જામનગરમાં વધુ એક યુવાનની જાહેરમાં હત્યા કરતા સનસનાટી મચી

જામનગરમાં સબ સલામતીના દાવા વચ્ચે કાયદો અને વ્યવસ્થા ચીથડેહાલ થયા છે. જામનગરનાં હાપાના ખારી વિસ્તારમાં ચારણ યુવાનની સરાજાહેર હત્યાથી હાહાકાર મચી ગયો છે. યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી ગઇ છે. આરોપીની બહેન સાથે યુવાને સંબંધ હોવાથી આ વાતનો ખાર રાખી યુવાનનું ઢીમ ઢાળી દેવાયુ હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે.

પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે હત્યારા આરોપી સુનિલ ચેતનભાઇ ડાભીની બહેન નયનાને વીજસુર સાથે સંબંધ હતો અને નયનાના લગ્ન થઇ ગયા બાદ પણ નયના વીજસુરને ફોન કરતી હતી અને બને વચ્ચે વાતો ચાલતી હતી. આ સંબંધને પગલે નયનાના સસરા પક્ષમાં ઝગડાઓ થતા હતા. બાદમાં વીજસુરને પોતાની જ્ઞાતિ લેવલે આરોપી સુનિલના પરીવાર સાથે સમાધાન થઇ ગયું હતું. પરંતુ આરોપી સુનિલ ચેતનભાઇ ડાભીએ વીજસુરના પોતાની બહેન નયના સાથેના સંબંધો બાબતે ખાર રાખી હુમલો કર્યો હતો.

વીજસુર તથા તેના મિત્રો હાપા ખારી બાવરીવાસ લાલુભાઇની દુકાન પાસે ઉભા હતા. આ વેળાએ ત્યારે આરોપી સુનિલ ડાભી ત્યાં છરી લઇને ઘસી આવ્યો હતો. ત્યારે વીજસુરને જમણા પડખાના ભાગે છરીનો એક ઘા મારી ઝીંકી દીધો હતો. પરિણામે વિજસુરના પડખામાંથી લોહીના ફુવારા છૂટયાં હતા. આથી યુવાને લોહીથી લથબથ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો અને તેના મિત્રો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે તેને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

જોકે ત્યાં ટૂંકી સારવાર કારગત ન નિવડતા યુવાને આખરી શ્ર્વાસ ખેંચ્યા હતા જેને પગલે બનાવવું હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ થતા જ યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા બીજી બાજુ ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા તેમજ પંચકોશી એ ડિવિઝનના પીએસઆઇ એ.કે. પટેલ સહિતનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

જ્યાં આરોપી સુનિલ સામે મૃતક યુવાનના ભાઈ વાલસુર ધનરાજભાઇ ઉર્ફે ધાધાભાઇ વીર (ઉ.વ.૨૧ ધંધો માલધારી રહે.હાપા ખારી વિસ્તાર,ચારણવાસ તા.જી.જામનગર) એ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુન્હો તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આરોપીની ધરપકડ કરાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.