જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એક કાર ઉંડા ખાડામાં પડી, ૪ના મોત, ૮ ગંભીર રીતે ઘાયલ

નવીદિલ્હી, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે સવારે એક કાર રસ્તા પરથી લપસીને ઊંડા ખાડામાં પડી જતાં ચાર લોકોના મોત થયા હતા અને આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત થાનામંડી સબ-ડિવિઝનમાં થયો હતો જ્યારે કાર પૂંચથી ભંગાઈ ગામ પરત ફરી રહી હતી. કારમાં સવાર લોકો પૂંચમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેવા ગયા હતા.

અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે ડ્રાઈવરે તેના ગંતવ્ય સ્થાનથી થોડાક જ મીટર દૂર થાનામંડી ભંગાઈ રોડ પર કાર પરનો કાબૂ ગુમાવ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું, “અકસ્માત સમયે કારમાં કુલ ૧૨ લોકો મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા દરેકને બહાર કાઢવામાં આવ્યા અને થાનામંડીની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમાંથી ચારને મૃત જાહેર કરવામાં આવ્યા. મૃતકોની ઓળખ શમીમ અખ્તર (૫૫), રૂબીના કૌસર (૩૫), ઝરીના બેગમ અને મોહમ્મદ યુનુસ (૩૮) તરીકે થઈ છે. તમામ લોકો ભંગાઈના રહેવાસી હતા.

થાનામંડીના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી ઈમ્તિયાઝ અહેમદે જણાવ્યું કે ઘાયલોને રાજૌરીની જીએમસી એસોસિએટેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે.