જમ્મુમાં પાકિસ્તાનની નાપાક હરક્ત:ત્રણ અઠવાડિયામાં ત્રીજી વખત સીઝફાયરનું ઉલ્લંઘન

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં ગુરુવારે સવારે પાકિસ્તાન તરફથી ફાયરિંગ થયું હતું. BSFના અધિકારીએ જણાવ્યું કે રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર નયનપુર ચોકી પર ગોળીબાર થયો હતો, જેમાં BSFનો એક જવાન ઘાયલ થયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જવાનનું નામ લાલ ફર્ન કીમા હોવાનું જણાવાયું છે.

ત્રણ અઠવાડિયામાં આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન રેન્જર્સ દ્વારા 17 ઓક્ટોબરે પ્રથમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં BSFના બે જવાન ઘાયલ થયા હતા. તેમજ બીજી વખત 26 ઓક્ટોબરે જમ્મુના અરનિયા અને સુચેતગઢ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફનો એક જવાન અને એક મહિલા ઘાયલ થયા હતા.

આ તરફ બુધવારે મોડી રાત્રે શોપિયાના કથોહલાન વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદી પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. અન્ય આતંકવાદીઓની શોધ ચાલી રહી છે.

સાંબાના નરેન્દ્ર કૌરે જણાવ્યું કે સવારે 4 વાગ્યે ફાયરિંગ બંધ થઈ ગયું હતું. અમે આખી રાત બાળકો સાથે સ્ટોરમાં પડ્યા રહ્યા. અમે હવે બાળકોને સ્કૂલે​​​​​ લઈ જઈએ છીએ. અમારું ગામ ઝીરો લાઇનમાં આવે છે તેથી સ્કૂલ સત્તાવાળાઓએ અહીં બસો મોકલવાની ના પાડી છે. તેમજ, અન્ય એક વ્યક્તિએ કહ્યું કે કેટલાક વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલતા નથી કારણ કે તેઓ જાણતા નથી કે ફાયરિંગ ક્યારે શરૂ થઈ જશે.

જવાનની સારવાર કરી રહેલા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના ડૉ. શમશાદે જણાવ્યું કે, એક ઘાયલ બીએસએફ જવાનને રાત્રે લગભગ 1 વાગ્યે અહીં લાવવામાં આવ્યો હતો. તેને ગોળી વાગી હતી. અમે સૈનિકને યોગ્ય પ્રાથમિક સારવાર આપી અને તેને લશ્કરી હોસ્પિટલમાં રીફર કર્યો છે. અમે આવી ઘટનાઓમાં તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે એક અલગ ટીમ બનાવી છે. રાત્રે અમે ફાયરિંગનો અવાજ સાંભળ્યો, જેના કારણે અમારી આખી ટીમ એલર્ટ મોડ પર હતી.