નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી સશસ્ત્ર દળ (વિશેષ અધિકાર) કાયદો અફસ્પાને પાછો ખેંચવા વિચાર કરશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કર્યા પછી મોદી સરકારનું આ મોટું પગલું હોઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે સરકારની યોજના જમ્મુ-કાશ્મીરથી સેનાને પાછી બોલાવવાની છે.મોદી સરકારની યોજના જમ્મુ-કાશ્મીરનો કાયદો-વ્યવસ્થા સંભાળવા જમ્મુ-કાશ્મીર પોલીસ પર છોડવાનો છે. પ્રથમવાર બન્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતીય સેનાના પાછી બોલાવવાની વાત કરી છે.
ચર્ચાઈ રહ્યું છે કે મોદી સરકારની આ યોજના આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ સુધારો આવ્યા બાદનું પરિણામ છે. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વિકાસ પરિયોજનાઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે. રસ્તાઓ, પુલ, વીજળી, અને અન્ય પ્રાથમિક જરૂરિયાતોમાં સુધારો જોવા મળ્યો છે. જેના પરિણામે સ્થાનિકોને રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે.
શાહે જણાવ્યું કે, “અમારી યોજના ભારતીય સેનાને પાછી બોલાવવાની અને કાયદો વ્યવસ્થા જમ્મુ-કાશ્મીર પોલીસને હવાલે કરવાનો છે. અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો કરી શકાતો નહોતો પણ હવે તેઓ આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે.” વિવાદાસ્પદ આફસ્પા કાયદા પર અમિત શાહે કહ્યું કે, “અમે અફસ્પા હટાવવા પર વિચાર મંત્રણા કરીશું.” અફસ્પા કાયદો અશાંત ક્ષેત્રોમાં સક્રિય સશસ્ત્ર દળના કર્મીઓને જાહેર વ્યવસ્થા જાળવવા તેમજ જરૂર પડે તો શોધ, ધરપકડ અને ગોળીબાર કરવાની વિશિષ્ટ શક્તિઓ પ્રદાન કરે છે. અમિતશાહે અગઉ પણ કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોમાં ૭૦ ટકા આફસ્પા હટાવી દેવાયું છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ લાગૂ છે. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના વિભિન્ન સંગઠનો અને વ્યક્તિઓએ અફસ્પા દૂર કરવાની માગ કરી છે.