જમ્મુ કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ

નવીદિલ્હી, ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનની સંડોવણી બહાર આવી છે. હુમલાના આરોપી શંકાસ્પદ આતંકવાદીઓના CCTV ફૂટેજ બુધવારે સામે આવ્યા હતા. લશ્કરના આતંકવાદીઓની ઓળખ અબુ હમઝા, હદૂન અને ઇલ્યાસ ફૌજી તરીકે થઈ છે.

આ તમામ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે એરફોર્સ પર થયેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને ચાર ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

સૂત્રોનું કહેવું છે કે આ ૩ પાકિસ્તાની આતંકવાદીઓની તસવીરો છે, જેમણે ૪ મે ૨૦૨૪ના રોજ એરફોર્સના કાફલા પર હુમલો કર્યો હતો. તેઓ લશ્કર-એ-તૈયબા જૂથ સાથે સંકળાયેલા છે અને રાજૌરી પુંછ વિસ્તારમાં સક્રિય છે. સૂત્રોનું કહેવું છે કે આ તસવીરોમાંનો એક આતંકી પાકિસ્તાની સેનાનો પૂર્વ કમાન્ડો છે. આમાંની એક તસવીર અબુ હમઝાની છે, જે એલઈટીનો કમાન્ડર છે.

તમને જણાવી દઈએ કે ૪ મેના હુમલામાં આતંકવાદીઓએ ઉચ્ચ શક્તિ ધરાવતી એસોલ્ટ રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો, જેમાં અમેરિકાની બનાવેલી એમ૪ અને રશિયન બનાવટની એકે-૪૭ સામેલ હતી. આ વિસ્તારમાં આ વર્ષનો આ પહેલો મોટો હુમલો હતો, જેણે ભૂતકાળમાં લશ્કરી થાણાઓ અને સૈનિકો પર અનેક આતંકવાદી-સંબંધિત હુમલાઓ જોયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે હુમલાને અંજામ આપનારા બે શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. અબુ હમઝા મયમ ઉંચાઈનો છે. તેનો રંગ ગોરો છે. તેની ઉંમર ૩૦ થી ૩૨ વર્ષની વચ્ચે છે. તેણે વાળ કાપ્યા છે. હમઝા છેલ્લે નારંગી અને ભૂરા રંગનો પઠાણી સૂટ પહેરીને જોવા મળ્યો હતો.પોલીસે તેની ધરપકડ માટે માહિતી આપનારને ૧૦ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, આતંકવાદીઓએ પુંછ જિલ્લાના શાઈસ્તર વિસ્તારમાં ભારતીય વાયુસેનાના કાફલાને નિશાન બનાવ્યું હતું, જેના પરિણામે એરફોર્સના જવાન કોર્પોરલ વિકી પહાડે શહીદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા.

ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો તાજેતરના અઠવાડિયામાં પૂંછ અને રાજૌરી પ્રદેશોમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓને અનુસરે છે. આ ઘટનાઓમાં રાજૌરીના શદરા શરીફ વિસ્તારમાં હુમલો હતો, જ્યાં એક ૪૦ વર્ષીય સરકારી કર્મચારીની મસ્જિદની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડ્રોન અને સ્નિફર ડોગ જેવા સર્વેલન્સ સાધનોથી સજ્જ સુરક્ષા દળના જવાનો હાલમાં શાહસિતાર, ગુરસાઈ, સનાઈ, લસાણામાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.