શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. મંગળવારે કાશ્મીરના કેટલાક ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. જ્યારે મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી છે. હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં શ્રીનગરમાં ૬.૯ મીમી, કાઝીગુંડમાં ૧૧.૦ મીમી, પહેલગામ ૨૨.૪ મીમી, કુપવાડામાં ૧૫.૭ મીમી, ગુલમર્ગમાં ૧૨.૨ મીમી, જમ્મુમાં ૬.૨ મીમી વરસાદ નોંધાયો છે. કટરામાં ૪.૪ મીમી અને ભદરવાહમાં ૯.૨ મીમી વરસાદ નોંધાયો છે.
તાપમાન વિશે અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીનગરમાં ગત્ત રાતના ૧૦.૭ ડિગ્રી સેલ્સિયસની સરખામણીએ લઘુત્તમ તાપમાન ૧૧.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તેમણે કહ્યું કે, કાઝીગુંડમાં ગત્ત રાત્રે ૮.૮ ડિગ્રી સેલ્સિયસના મુકાબલે ૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે,તેણે જણાવ્યું હતું કે,દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત પર્યટન સ્થળમાં તાપમાન સામાન્ય કરતાં ૨.૨ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું,પહાડી વિસ્તારોમાં ખાસ કરીને કુપવાડાના માછિલ સેક્ટર અને બાંદીપોરાના વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ હતી.
હવામાન વિભાગે મંગળવારે સાંજ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. બુધવારે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આ વરસાદ દરમિયાન, ૨૦-૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડું અને જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ સ્થળોએ કરા પડવાની શક્યતા છે.
કહેવામાં આવી રહ્યું છે કે એલઓસી નજીક માછિલ વિસ્તારમાં હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીનગર શહેર સહિત મેદાની વિસ્તારોમાં આખી રાત વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો.
જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણ ઠંડું થઈ ગયું છે. ઉંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે પણ વરસાદ અને હિમવર્ષા માટે એલર્ટ જાહેર કર્યું છે.