શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. ગુજરાતના રહેવાસી આ શખ્સનું નામ કિરણ પટેલ છે. તે પોતાને પીએમઓનો એડિશનલ ડિરેક્ટર જણાવી રહ્યો હતો. એટલું જ નહીં આ ઠગને ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મળી રહી હતી. તે હંમેશાં ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો.
પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની ૧૦ દિવસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.
ઠગએ પોતાના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે તેણે પીએચડી કર્યું છે. જોકે, પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે જમ્મુ અને કાશ્મીરની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં કરી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેની સાથે સીઆરપીએફ જવાન પણ જોવા મળી રહ્યા છે.
કિરણ પટેલનું ટ્વિટર હેન્ડલ વેરિફાઈડ છે. એક હજારથી વધુ લોકો તેમને ફોલો કરે છે, તેમાં ભાજપ ગુજરાતના મહાસચિવ પ્રદીપસિંહ પણ સામેલ છે. કિરણ પટેલનું ટ્વિટર હેન્ડલ વેરિફાઈડ છે. એક હજારથી વધુ લોકો તેમને ફોલો કરે છે, તેમાં ભાજપ ગુજરાતના મહાસચિવ પ્રદીપસિંહ પણ સામેલ છે.
રિપોર્ટ અનુસાર, કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાની બાબત પર અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તેણે દૂધપથરીને પર્યટન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. ત્યારપછી તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. જેવો તે ફરીથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યો તો તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. કિરણ પટેલ પર આઈપીસીની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.