
શ્રીનગર,
રાહુલ ગાંધીની ’ભારત જોડો યાત્રા’ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરી ચૂકી છે. તમામ નેતા જે ભાજપને વર્તમાન સ્થિતિ માટે જવાબદાર માની રહ્યા છે તેઓ રાહુલ ગાંધીના ભારતને જોડવામાં યોગદાન આપી રહ્યા છે. દરમિયાન અમુક જ દિવસ પહેલા જેલમાંથી બહાર આવેલા શિવસેનાના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે જમ્મુ-કાશ્મીર પહોંચીને રાહુલ ગાંધીની યાત્રામાં હાજરી આપી. હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી આ યાત્રામાં સામેલ થઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ઘણીવાર પાકિસ્તાન અને અલગાવવાદી નેતાઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરનાર મહેબૂબા મુફ્તી પર અલગાવવાદી નેતાઓનું સમર્થન કરવાના આરોપ લાગતા રહ્યા છે. ભાજપના સહયોગથી જ મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ સુધી મુખ્યમંત્રી રહેલા મહેબૂબા મુફ્તીને ભાજપથી ત્યારે કોઈ ફરિયાદ નહોતી.
પાંચ દાયકા સુધી જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના સ્તંભ રહેલા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનું કોંગ્રેસમાંથી અલગ થઈને પાછુ પોતાના રાજ્યમાં ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની રચના કરી લીધા બાદ ભાજપના સહયોગી રહી ચૂકેલા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબૂબા માટે સત્તાનો માર્ગ મુશ્કેલ થઈ ગયો છે. આવી સ્થિતિમાં મહેબૂબા મુફ્તી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમર્થન કરી રહ્યા છે.
અત્યારે ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીરને પોતાનો બેઝ બનાવી દીધો છે. આનાથી રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ કમજોર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છેકે જ્યારે ભાજપ મહેબૂબા મુફ્તી સાથે ત્યાં સરકાર બનાવી શકે છે તો કોંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવનાર ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીરમાં આગળ વધારવા ભાજપ માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. જોકે, ગુલામ નબી આઝાદની પાર્ટીને ગત દિવસોથી ઝટકો લાગ્યો છે અને તેમની પાર્ટીના ઉપાધ્યક્ષ સહિત લગભગ દોઢ ડઝન લોકો પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે. રાહુલ ગાંધીની યાત્રામાં સામેલ થવાથી મહેબૂબા મુફ્તી ને ભાજપ વિરોધીઓનો થોડો લાભ મળી શકે છે.