
ભારતના સ્વતંત્રતા દિવસને હવે 2 દિવસ બાકી છે. આ દરમિયાન રવિવારે સવારે શ્રીનગરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં એલજી મનોજ સિંહાએ દલ લેઇક ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

જમ્મુના 20 જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીનગરમાં BSF, ITBP, CRPF જવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો.

આ તરફ દિલ્હીના લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ પહેલાં ફુલ ડ્રેસ રિહર્સલ કરાયું. જેમાં સેનાનાં તમામ યુનિટોએ ભાગ લીધો હતો. મંગળવારે આઝાદીની 77મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. લાલ કિલ્લા પર અતિથિ વિશેષ તરીકે સરપંચ, શિક્ષક, નર્સ, ખેડૂત, માછીમાર, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં રોકાયેલા કામદારો, ખાદી ક્ષેત્રના કામદારો, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષક, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના કર્મચારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સેનાએ પણ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. સેનાએ શનિવારે પૂંચના દેગવાર સેક્ટરમાં એલઓસી પર પેટ્રોલિંગ કર્યું હતું. આ ઉપરાંત અનંતનાગ જિલ્લા વહીવટીતંત્રે મ્યુનિસિપલ કમિટી, J&K પોલીસ, સ્થાનિક શાળાઓ અને CRPF સાથે મળીને ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનની સૌથી મોટી રેલી કાઢી હતી.

દિલ્હી પોલીસે ફુલ ડ્રેસ રિહર્સલ માટે 8 રૂટ માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં નેતાજી સુભાષ માર્ગ, લોથિયન રોડ, એસપી મુખર્જી માર્ગ, ચાંદની ચોક રોડ, નિષાદ રાજ માર્ગ, એસ્પલેન્ડ રોડ અને લિંક રોડ, રાજઘાટથી ISBT સુધીનો રિંગ રોડ, આઈપી ફ્લાયઓવર અને આઉટર રિંગ રોડ રાત્રે 11 વાગ્યા સુધી બંધ રહેશે. સેના અને પોલીસ કર્મચારીઓની પરેડના રિહર્સલ માટે સવારે 4 વાગ્યાથી સામાન્ય જનતા માટે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ ત્રિરંગાને રાષ્ટ્રીય એકતા અને સ્વતંત્રતાનું પ્રતીક ગણાવ્યું હતું અને લોકોને હર ઘર તિરંગા વેબસાઇટ પર તિરંગા સાથેના તેમના ફોટા અપલોડ કરવા જણાવ્યું હતું.
આ વખતે 1800 વિશેષ મહેમાનો મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેમાં સરપંચ, શિક્ષક, નર્સ, ખેડૂત, માછીમાર, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં રોકાયેલા કામદારો, ખાદી ક્ષેત્રના કામદારો, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષક, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના કર્મચારીઓ આવશે.
આ ઉપરાંત અમૃત સરોવર પ્રોજેક્ટ અને હર ઘર જલ યોજનામાં મદદ કરનારા કર્મચારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2 લાભાર્થીઓને પણ લાલ કિલ્લા પર બોલાવવામાં આવ્યા છે.