જમ્મુ કાશ્મીરમાં પૂર્વ આતંકીઓ-અલગાવવાદીઓએ બનાવી પાર્ટી, અફઝલ ગુરુનો ભાઈ ચૂંટણી લડશે

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે. લોક્સભા ચૂંટણીમાં પંજાબની બે બેઠકો પરથી અમૃતપાલ સિંહ સહિત બે અલગાવવાદી સાંસદો ચૂંટાયા હતા. આ વલણને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે ચૂંટણીમાં ભાગલાવાદીઓને શા માટે જીત મળી, જ્યારે કોંગ્રેસ,આપ ભાજપ અને અકાલી દળ સહિત ઘણા મોટા પક્ષો મેદાનમાં હતા.

હવે પંજાબની તર્જ પર જમ્મુ-કાશ્મીરમાં પણ ઘણા ભૂતપૂર્વ આતંકવાદી અને અલગતાવાદીઓ ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે. સોમવારે બધાએ એક થઈને નવી પાર્ટી તહરીક-એ-આવામ બનાવવાની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

તહરીક-એ-આવામ મોરચાના બેનર હેઠળ જેમની ચૂંટણીની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે તેમાં ૨૦૦૧ના સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુના ભાઈ એજાઝ અહેમદ ગુરુનું નામ પણ સામેલ છે. અફઝલ ગુરુને વર્ષ ૨૦૧૩માં ફાંસી આપવામાં આવી હતી. બીજું નામ સર્જન બરકાતી છે. બરક્તી પથ્થરબાજીના આરોપમાં શ્રીનગરની જેલમાં બંધ છે. હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીની હત્યા બાદ ઘાટીમાં મોટા પાયે હિંસા થઈ હતી. બરક્તી આ હિંસામાં સામેલ હતો. બરક્તી ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં છે. તેની પત્નીની પણ એજન્સીઓએ ગત નવેમ્બરમાં આતંકવાદ ફંડિંગ કેસમાં ધરપકડ કરી હતી.

જમ્મુ કાશ્મીરમાં હવે પૂર્વ આતંકવાદીઓ, અલગતાવાદીઓ અને તેમના સંબંધીઓ પણ ચૂંટણી લડશે. આ તમામે ચૂંટણી લડવા માટે તહરીક-એ-આવામ નામનો મોરચો બનાવ્યો છે. આ બેનર હેઠળ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ૧૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ત્રણ તબક્કામાં યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો ૪ ઓક્ટોબરે આવશે.

જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદીઓ દ્વારા ચૂંટણી લડવાને એક મોટી ઘટના તરીકે જોવામાં આવી રહી છે કારણ કે અત્યાર સુધી તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરતા આવ્યા છે અને લોક્તાંત્રિક વ્યવસ્થાને પડકારી રહ્યા છે. પરંતુ તેમની ચૂંટણી લડવી કાશ્મીરમાં બદલાતા રાજકીય માહોલને દર્શાવે છે. પ્રતિબંધિત જમ્મુ અને કાશ્મીર જમાત-એ-ઈસ્લામીના ઘણા ભૂતપૂર્વ સભ્યો પણ ચૂંટણી લડતા જોવા મળશે. આ મોરચાના સભ્ય આદિલ અહેમદે કહ્યું, ’આ એક સારી શરૂઆત છે. સમાજમાં પોતાને સાબિત કરવા માટે ચૂંટણી લડવા દેવી જોઈએ. એક ધારાસભ્ય બીજા કરતા વધુ સારું સામાજિક કાર્ય કરી શકે છે.

લોક્સભા ચૂંટણીમાં અલગાવવાદી અબ્દુલ રશીદ શેખની જીતે ખીણના અન્ય અલગતાવાદી નેતાઓને ચૂંટણી લડવા માટે પ્રેરિત કર્યા છે. એન્જિનિયર અબ્દુલ રશીદ બારામુલા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમણે નેશનલ કોન્ફરન્સના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.