જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પર જોખમ! : સુરક્ષા એજન્સીઓની ચેતવણી

  • ભારત જોડો યાત્રા ૧૯ જાન્યુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના લખનપુરમાં પ્રવેશ કરશે.

નવીદિલ્હી,

ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધીને અનુલક્ષીને સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને કેટલાક સ્થળોએ ન ચાલવાની સલાહ આપવામાં આવી છે. રાહુલ ગાંધીએ કેટલાક સ્થળોએ પગપાળા ચાલવાનું ટાળવું જોઈએ અને તેના બદલે કારમાં યાત્રા કરવી જોઈએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ૧૯ જાન્યુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના લખનપુરમાં પ્રવેશ કરશે.

ગત વર્ષે ૭ સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી કોંગ્રેસે ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. ૧૫૦ દિવસ અને ૩,૭૫૦ કિલોમીટરના લક્ષ્ય સાથે આ યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ૧૨ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે. મળતી મહિતી મુજબ સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને જમ્મુ કાશ્મીરમાં કેટલાક સ્થળોએ જોખમ હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, ’તેમની સુરક્ષા માટે એક વિગતવાર યોજના બનાવવામાં આવી છે. રાહુલ ગાંધીને સલાહ આપવામાં આવી છે કે તેમણે પગાપાળા યાત્રા કરવાનું ટાળવું જોઈએ અને તેના બદલે કારમાં મુસાફરી કરવી જોઈએ’.

અધિકારીએ જણાવ્યું હતું કે રાત્રિ રોકાણ વિશેની વિગતો સાથે વ્યાપક સુરક્ષા સમીક્ષા હજુ પણ ચાલી રહી છે. ૫૨ વર્ષીય કોંગ્રેસ નેતા ૨૫ જાન્યુઆરીના રોજ બનિહાલમાં રાષ્ટ્રવજ ફરકાવશે અને બે દિવસ બાદ ૨૭ જાન્યુઆરીના રોજ અનંતનાગ થઈને શ્રીનગરમાં પ્રવેશ કરશે.

અધિકારીએ કહ્યું હતું કે, ’રાહુલ ગાંધી કાશ્મીરના માર્ગ પર ત્રિરંગો ફરકાવશે. અત્યાર સુધી એવું લાગે છે કે તે બનિહાલની આસપાસ હશે. ત્યારબાદ યાત્રા ગણતંત્ર દિવસના એક દિવસ પછી અનંતનાગ થઈને શ્રીનગરમાં પ્રવેશ કરશે’. તેમના મતે, સુરક્ષા એજન્સીઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી શ્રીનગરમાં હોય ત્યારે તેમની સાથે માત્ર થોડા જ લોકો યાત્રા કરે.

યોજના મુજબ રાહુલ ગાંધી ૧૯ જાન્યુઆરીના રોજ લખનપુરમાં પ્રવેશ કરશે અને ત્યાં એક રાત રોકાયા બાદ બીજા દિવસે સવારે કઠુઆના હટલી મોડથી રવાના થશે. આ યાત્રા ફરીથી ચડવાલ ખાતે રાત્રિ રોકાણ કરશે. તે ૨૧ જાન્યુઆરીના રોજ સવારે હીરાનગરથી ડુગ્ગર હવેલી સુધી શરૂ થશે અને ૨૨ જાન્યુઆરીના રોજ વિજયપુરથી સતવારી જશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પાસે હાલમાં ઝેડ સુરક્ષા કવચ છે. તેનો અર્થ છે કે ૮/૯ કમાન્ડો તેમની ૨૪ટ૭ સુરક્ષા કરી રહ્યા છે. ગત મહિને કોંગ્રેસે કેન્દ્ર પાસે તેમની સુરક્ષા વધારવાની માંગણી કરી હતી કારણ કે યાત્રાના માર્ગમાં અનેક સુરક્ષા ઉલ્લંઘન જોવા મળ્યા હતા. કોંગ્રેસને જવાબ આપતા કેન્દ્રએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતે ૨૦૨૦થી ૧૦૦થી વધુ વખત તેમના સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.