હૈદરાબાદ,
કેન્દ્રની ભાજપના વડપણ હેઠળની સરકાર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, ઉત્તર-પૂર્વમાં બળવાખોરી અને ડાબેરી ઉગ્રવાદને અંકુશમાં લેવામાં નોંધપાત્ર રીતે સફળ થઈ છે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે ભારતીય પોલીસ સેવા પ્રોબેશનર્સની ૭૪મી બેચની પાસિંગ આઉટ પરેડમાં બોલતા ગૃહપ્રધાને કહ્યું હતું કે ભારત સરકારની એજન્સીઓના નેતૃત્વમાં પોલીસ દળોએ સમગ્ર દેશમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવા સંગઠનો સામે એક જ દિવસમાં સફળ કાર્યવાહી કરી હતી.
તેમણે આઇપીએસ પ્રોબેશનર્સને જણાવ્યું હતું કે દેશના આર્થિક કેન્દ્રોને સુરક્ષિત કરવા, ગરીબોના માનવ અધિકારોનું રક્ષણ કરવા, તપાસ પુરાવા આધારિત બનાવવા તથા સાયબર અને નાણાકીય છેતરપિંડીના મોરચે ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત માદક દ્રવ્યોના આતંકવાદી સંબંધોને અંકુશમાં લેવા માટે નવા અભિગમની જરૂર છે.
અમિત શાહે કહ્યું હતું કે જો તમે આઠ વર્ષ પહેલાંની આંતરિક સુરક્ષાની સ્થિતિ જોઇએ તો જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો ત્રણ હોટસ્પોટ હતા. જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ આતંકી ઘટનાઓમાં ભારે ઘટાડો થયો છે. ઉત્તર-પૂર્વમાં કેટલાક ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ કરારને પગલે ૮,૦૦૦થી વધુ કેડરને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા હત. રાજ્યો સાથેના સરહદી વિવાદોનું નિરાકરણ કરીને અને વિકાસ કાર્યો દ્વારા ઉત્તરપૂર્વમાં શાંતિ સ્થાપિત થઈ છે અને ત્યાં વિકાસનો નવો યુગ શરૂ થયો છે. માઓવાદીઓના ટોચના નેતૃત્વને નિયંત્રિત કરવામાં આવ્યું છે અને ન્ઉઈ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૨૦૧૦માં ૯૬ થી ઘટીને ૪૬ થઈ છે.
તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ લગાવીને અમે વિશ્ર્વને સમક્ષ એક સફળ ઉદાહરણ રજૂ કર્યું છે. આ દર્શાવે છે કે લોકશાહી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા કેટલી મજબૂત બની છે. આતંકવાદ સામે ઝીરો ટોલેરેન્સ. આતંકવાદ વિરોધી કાયદાઓનું મજબૂત માળખું અને દૃઢ રાજકીય ઇચ્છાશક્તિને કારણે આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં ઘટાડો થયો છે.