
જમ્મુ કાશ્મીરમાં પીડીપી પ્રમુખ મહેબુબા મુતીએ ભાજપ સાથે કોઇ પણ રીતના ગઠબંધનને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.મહેબુબા મુતીએ સ્પષ્ટ કર્યું કે પીડીપી હવે ભાજપ સાથે કોઇ પણ ગઠબંધન માટે તૈયાર નથી.મહેબુબા મુતીએ કહ્યું કે તેમની પાર્ટીએ જમ્મુ કાશ્મીરના મુદ્દાના સમાધાન માટે ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે મહેબુબા મુતીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રામ માધવ પીડીપીના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો.
મહેબુબા મુતીએ આરોપ લગાવ્યો કે ભાજપે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના દ્રષ્ટિકોણને આગળ વધારવાની જગ્યાએ બધુ વિખેરી નાખ્યું છે.પીડીપી પ્રમુખે કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધનનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરના મુદ્દાનું સમાધાન હતું. મહેબુબા મુતીએ કહ્યું કે જો તેમને મુખ્યમંત્રી બનવાની ઇચ્છા હોત તો તે કોંગ્રેસ સાથે પણ ગઠબંધન કરી શક્તા હતા. મુતીએ કહ્યું કે તેમની સરકારના ત્રણ વર્ષમાં સાઉથ કાશ્મીરમાં સ્કૂલ, કોલેજ, એમ્સ અને તાલુકામાં ઘણુ કામ થયું, જે નેશનલ કોન્ફ્રેન્સના ૫૦ વર્ષની સરકારમાં થયું નહતું.
ઉમર અબ્દુલ્લાએ ગાંદરબ જિલ્લામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે રામ માધવ પીડીપીના સંપર્કમાં છે. ઉમર અબ્દુલાએ કહ્યું હતું કે, પીડીપી સાથે તેમનો જૂનો સંપર્ક છે. મને લાગે છે કે તે ભાજપના કાશ્મીર મિશનને પૂર્ણ કરવા માટે પીડીપી સાથે હજુ પણ સંપર્કમાં છે જેથી જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર બનાવી શકાય. રામ માધવે જ વર્ષ ૨૦૧૫માં પીડીપી-ભાજપ ગઠબંધનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પીડીપી પરદા પાછળ ભાજપનો એજન્ડા પૂર્ણ કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બર, ૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરે યોજાશે. જ્યારે મતગણતરી ૮ ઓક્ટોબરે થશે.