જમ્મુ કાશ્મીર: બડગામમાં બે આતંકવાદી ઠાર, રાજૌરી હિંદુઓના હત્યાકાંડમાં સામેલ હતા

બડગામ,

જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ત્યાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને આતંકવાદીઓ ત્યાં છૂપાયેલા હતા અને સુરક્ષાદળો પર ગોળી ચલાવી હતી.

જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર બાદ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બડગામ શહેરમાં જિલ્લા અદાલત પરિસર પાસે થયુ હતું. બડગામમાં પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો. અને ત્યારબાદ બંને આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

બડગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓની ઓળખ પુલવામાના અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે કરવામાં આવી છે જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા હતા. ADG  કાશ્મીરે કહ્યું કે, બંને આતંકવાદીઓ પહેલા તાજેતરમાં જ થયેલા એન્કાઉન્ટરમાં બચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આતંકવાદીઓની લિંક રાજૌરીના ધનગરીમાં ૬ હિન્દુઓની હત્યાકાંડમાં હતી. નવા વર્ષની પૂર્વ સંયાએ ૧ જાન્યુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને ૧૪ ઘાયલ થયા હતા. હુમલામાં ઘાયલ અન્ય એક વ્યક્તિનું બાદમાં હોસ્પિટલમાં મોત થયું હતું. ૧ જાન્યુઆરીએ આતંકવાદીઓએ રાજૌરીના ધનગરી ગામમાં હિન્દુ સમુદાયના સભ્યોના ઘરો પર ગોળીબાર કર્યો હતો જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. બીજા દિવસે તે જ ગામમાં એક IED બ્લાસ્ટમાં બે પિતરાઈ ભાઈઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ મૃતકોમાંથી એકના ઘરે IED  બોમ્બ લગાવ્યો હતો. ઈજાગ્રસ્ત પૈકી એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જેના કારણે આ આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને ૭ થઈ ગઈ હતી.