- જમ્મુ-કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં મતદાન, ૧ ઓક્ટોબરે હરિયાણામાં મતદાન, ૪ ઓક્ટોબરે બંને રાજ્યોમાં પરિણામ
ચૂંટણી પંચ આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યમાં છેલ્લી વખત ૨૦૧૪માં ચૂંટણી થઈ હતી. ૩૭૦ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ભારતીય ચૂંટણી પંચે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેરાત કરી છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાં ૩ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બર, ૨૫ સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે મતદાન થશે. તેમજ ૪ ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણામાં પહેલી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. અને તેનું પણ પરિણામ ૪ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત ન કરવા અંગે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અનેક તહેવારો પણ આવે છે. પિતૃ પક્ષ, નવરાત્રિ, દશેરા અને દિવાળી આવશે, તેથી હજુ સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી નથી.
ચૂંટણી પંચે આજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો પરિવર્તન ઈચ્છે છે. તમામ લોકો ચૂંટણી માટે ઉત્સુક છે. અમારી ટીમે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની પણ મુલાકાત લીધી હતી. અમે હવામાન સુધરવાની રાહ જોઈ રહ્યા હતા. અમરનાથ યાત્રા પૂરી થવાની રાહ જોવાઈ રહી હતી. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ૮૭.૦૯ લાખ મતદારો છે. અહીં ૨૦ લાખથી વધુ યુવાનો છે. ફાઈનલ મતદાર યાદી ૨૦ ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.
૨૦૧૯માં કલમ ૩૭૦ રદ કરાયા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું હતું. ત્યારથી ત્યાં રાજકીય પક્ષો રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પરત કરવાની માગ કરી રહ્યા હતા. સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી યોજાશે અને તેના પછી રાજ્યનો દરજ્જો મળશે. ચૂંટણી પંચના સૂત્રો અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન યોજાઈ શકે છે.
સપ્ટેમ્બરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી ચાલુ મહિનાના અંત સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવી શકે છે.મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું ૫ સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવશે જ્યારે ૧૨ સપ્ટેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. તે જ સમયે, નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૧૬ સપ્ટેમ્બર રહેશે.
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે શુક્રવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી અંતર્ગત ૧ ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે ૪ ઓક્ટોબરે પરિણામ આવશે. પંચે કહ્યું કે હરિયાણામાં ચૂંટણી સફળતાપૂર્વક કરાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આયોગે કહ્યું કે હરિયાણાના કુલ ૨૨ જિલ્લામાં ૯૦ બેઠકોમાંથી સામાન્ય બેઠકોની સંખ્યા ૭૩ છે, જ્યારે જીઝ્ર બેઠકો ૧૭ છે. જ્યારે અહીં એક પણ એસસી સીટ નથી. હરિયાણામાં કુલ મતદારોની સંખ્યા ૨.૦૧ કરોડ છે. જેમાં વૃદ્ધ મતદારોની સંખ્યા ૧૦,૩૨૧ છે, જ્યારે ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ મતદારો ૨.૫૫ લાખ છે. વિકલાંગ મતદારોની સંખ્યા ૧.૫ લાખ છે. જો આપણે થર્ડ જેન્ડર વોટર્સની વાત કરીએ તો તેમની કુલ સંખ્યા ૪૫૯ છે.
ચૂંટણી પંચ ૧૦,૪૫૯ સ્થળોએ કુલ ૨૦,૬૨૯ મતદાન મથકો સ્થાપશે. જેમાં શહેરી વિસ્તારોમાં ૭,૧૩૨ મતદાન મથકો હશે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૧૩,૪૯૭ મતદાન મથકો હશે. દરેક મતદાન મથક પર સરેરાશ ૯૭૭ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મોડલ મતદાન મથકોની સંખ્યા ૧૫૦ હશે. કમિશને તેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જે મતદારો ૮૫ વર્ષથી વધુ ઉંમરના છે અને પીડબલ્યુડી કેટેગરીમાં આવે છે, આવા મતદારો ઘરેથી તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું ૫ સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે જ્યારે ૧૨ સપ્ટેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. તે જ સમયે, નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૧૬ સપ્ટેમ્બર રહેશે. રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન થશે. મતદાનની તારીખ ૧ ઓક્ટોબર છે. જ્યારે ૪ ઓક્ટોબરે પરિણામ આવશે. આયોગ અનુસાર, હરિયાણાની કુલ ૯૦ વિધાનસભા મતક્ષેત્રોમાં ૨.૦૧ કરોડ મતદારો છે, જેમાંથી ૯૫ લાખ મહિલાઓ છે.