જમ્મુ-કાશ્મીરના પૂંછમાં હિન્દુ અને શીખ પરિવારોને ધમકી

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં હિન્દુ અને શીખ પરિવારોને ધમકી આપવામાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘણા ઘરો પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે અને મકાનોને ખાલી કરી દેવાની ધમકી આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો તમે આમ નહીં કરો તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ઘટનાથી લોકો ડરી ગયા છે. સ્થાનિકોએ પોલીસ અને સેના પાસે ધમકી આપનારા દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વાસ્તવમાં પૂંછ જિલ્લાનું દેગવાર સેક્ટર પાકિસ્તાન સરહદને અડીને આવેલું છે. શનિવારે સાંજે લગભગ 6 વાગ્યાના આસપાસ લોકો તેમના ઘરોની બહાર લાગેલા પોસ્ટરોને જોઈને ગભરાઈ ગયા હતા. આ પોસ્ટરો પર ઉર્દૂમાં લખવામાં આવ્યું હતું કે, “તમામ હિન્દુઓ અને શીખ સમુદાયને ચેતવણી આપવામાં આવે છે કે આ વિસ્તાર જલદીથી છોડી દો. અન્યથા તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.”

આ ઘટનાની માહિતી મળતાં જ પૂંછ પોલીસ સ્ટેશનના SSO દીપક પઠાનિયા સુરક્ષા દળોની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સરપંચની હાજરીમાં પોસ્ટરો હટાવ્યા હતા. એક પોસ્ટર એડવોકેટ મહિન્દર પિયાસાના ઘર ગીતા ભવનના મુખ્ય દ્વાર પર ચોંટાડવામાં આવ્યું હતું. બીજું પોસ્ટર અને ત્રીજું પોસ્ટર સુજાન સિંહના લૉનમાંથી મળી આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ મોટા હુમલાની ધમકી આપી હતી. તેણે સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ કરી હતી. આમાં તેણે જમ્મુ અને દિલ્હીમાં આતંકવાદી હુમલા કરવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ, જૈશ-એ-મોહમ્મદ દ્વારા સમર્થિત સંગઠન છે. કલમ 370 હટાવ્યા પછી પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ, જૈશના પ્રોક્સી સંગઠન તરીકે ઉભરી આવ્યું હતું. PAFF દ્વારા સમયાંતરે સેના અને સરકારને ધમકીઓ પણ આપવામાં આવી છે.