જમ્મુ કાશ્મીરમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ છે અને આ જ કારણ છે કે અહીં ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ મકાનો ધરાશાયી થયા છે.
જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદની સાથે ભૂસ્ખલન પણ થયું હતું જેમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા, સાથે જ ચેતવણી જારી કરવામાં આવી છે. એવામાં ભારે વરસાદને કારણે, રિયાસી જિલ્લાની તમામ શાળાઓને આજે એટલે કે 30 એપ્રિલે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. મૂશળધાર વરસાદને કારણે પૂંચ અને ઉત્તર કાશ્મીરના ભાગોમાં અચાનક પૂર અને ભૂસ્ખલન થયું છે. રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ મકાનો ધરાશાયી થયા છે અને ઘણા તુટી જવાના આરે છે. બારામુલ્લા, કિશ્તવાડ અને રિયાસી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે.
સાથે જ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે સોમવારે હાઈવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો ફસાઈ ગયા હતા.