જમ્મુ કાશ્મીર: ગુલમર્ગમાં ભૂકંપના જોરદાર ઝટકા, ડરના માર્યા લોકો નીકળ્યા ઘરની બહાર.

શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ગુલમર્ગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના રિપોર્ટ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી છે.શનિવારે સવારે લગભગ ૮.૩૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.

રિપોર્ટ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ગુલમર્ગથી લગભગ ૧૮૪ કિમી દૂર અને પૃથ્વીની સપાટીથી ૧૨૯ કિમી નીચે હતું. ભૂકંપના કારણે જાનમાલના નુક્સાનના કોઈ સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અધિકારીઓએ જણાવ્યું કે જૂન ૨૦૨૩ થી જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ તીવ્રતાના ૧૨ ભૂકંપ આવ્યા છે.

અગાઉ ગયા મહિને ૧૦ જુલાઈએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં ૪.૯ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વળી, ૧૩ જૂને ડોડામાં જ ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા ૫.૪ માપવામાં આવી હતી. ૧૩ જૂનના ભૂકંપમાં ડઝનેક ઈમારતો અને મકાનોમાં તિરાડો જોવા મળી હતી.