જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં શુક્રવારે ચોથા દિવસે પણ ભારે હોબાળો થયો હતો. અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે આજે ફરીથી કલમ 370ની પુનઃસ્થાપના સંબંધિત પોસ્ટર લહેરાવવાનો પ્રયાસ કર્યો છે. તે પહેલાં વિપક્ષી નેતાઓએ તેમને રોક્યા હતા.
ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. દરમિયાન એક ધારાસભ્ય ટેબલ પર ચડી ગયા હતા. બીજી તરફ માર્શલ ખુર્શીદે અહેમદને ખેંચીને લઈ ગયા. આ દરમિયાન ખુર્શીદ જમીન પર પડી ગયા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. માર્શલે ભાજપના કેટલાક ધારાસભ્યોને પણ હાંકી કાઢ્યા હતા. જે બાદ ભાજપના તમામ નેતાઓ વોકઆઉટ કરી ગયા હતા.
ખુર્શીદ અહેમદ બારામુલ્લાના સાંસદ એન્જિનિયર રાશીદના ભાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ફંડિંગના આરોપમાં રાશીદની 2016માં UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે 2019થી તિહાર જેલમાં બંધ છે. વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્ર દરમિયાન ગુરુવારે ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. શાસક પક્ષ અને વિપક્ષ ભાજપના ધારાસભ્યોએ એકબીજાના કોલર પકડીને ધક્કામુક્કી કરી હતી. જેમાં ભાજપના 3 ધારાસભ્યો ઘાયલ થયા છે. ગૃહમાં હોબાળા બાદ સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી 20 મિનિટ માટે સ્થગિત કરી દીધી હતી.
લંગેટના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370 પુન: સ્થાપિત કરવાનું બેનર લહેરાવ્યું હતું. આ પછી ભાજપના ધારાસભ્ય અને વિપક્ષી નેતા સુનીલ શર્માએ તેનો વિરોધ કર્યો હતો. ભાજપના ધારાસભ્યોએ વિપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા.
ભાજપના ધારાસભ્યોના વિરોધનો સિલસિલો અહીં અટક્યો નહીં. તેઓ અહેમદ શેખ પાસે પહોંચ્યા અને તેમના હાથમાંથી બેનર છીનવી લીધું અને ફાડી નાખ્યું. આ દરમિયાન સત્તાધારી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો પણ શેખના સમર્થનમાં ભાજપના ધારાસભ્યો સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા. આ પછી માર્શલે ભાજપના ધારાસભ્યોને ગૃહમાંથી હાંકી કાઢ્યા હતા.