
જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાનના નાપાક સૈન્યએ બેફામ તોપમારો કર્યો હતો, એમાં એક ભારતીય જવાને શહીદી વહોરી હતી. એલઓસીના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાને અવિરત ગોળીબાર કર્યો હતો. ભારતીય લશ્કરે પણ વળતો જવાબ આપ્યો હતો એવું સંરક્ષણ વિભાગે કહ્યું હતું.
જમ્મુ-કાશ્મીર સરહદે રાજૌરી જિલ્લામાં સુંદરબાની સેક્ટરમાં પાકિસ્તાની લશ્કરે બેફામ તોપમારો કર્યો હતો. સતત થયેલા ગોળીબારમાં ભારતના એક જવાને શહીદી વહોરી હતી. ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો એવું સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું.
પાકિસ્તાની સૈન્યના વડા કમર બાજવાએ હજુ તો થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિમંત્રણા ઈચ્છે છે. બાજવાએ કહ્યું હતું કે આખાય વિસ્તારમાં શાંતિ અને સલામતિનો માહોલ સર્જાય તે માટે ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાય તે જરૃરી છે. બાજવાએ પાકિસ્તાનમાં જ યોજાયેલા એક લશ્કરી કાર્યક્રમમાં કહ્યું હતું કે દોસ્તીનો હાથ લંબાવીને બધા જ વિવાદો સમાધાનનથી ઉકેલવા જોઈએ. તેના આ નિવેદનની ચર્ચા શરૃ થઈ હતી ત્યાં જ પાકિસ્તાને અવિરત ફાયરિંગ કર્યું હતું.
પાકિસ્તાન એક તરફ દોસ્તી અને શાંતિની વાતો કરે છે ને બીજી તરફ પરમાણુ મિસાઈલનું પણ પરીક્ષણ કરે છે. પાકિસ્તાને ૨૯૦ કિલોમીટર સુધી જમીનથી જમીન પ્રહાર કરી શકે એવી મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ પરમાણુ શક્તિથી સજ્જ હોવાનો દાવો પાક. મીડિયાએ કર્યો હતો.
બીએસએફના અહેવાલમાં દાવો કરાયો હતો કે પાકિસ્તાને હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી માટે કાશ્મીર સરહદે ડ્રોનનો ઉપયોગ ખૂબ જ વધારી દીધો છે. અહેવાલ પ્રમાણે ૨૦૧૯માં ડ્રોનની ઘૂસણખોરીના ૧૬૭ બનાવો નોંધાયા હતા. ૨૦૨૦માં પણ કાશ્મીર સરહદે જ ૭૭ બનાવો દર્જ થયા હતા. ડ્રોનમાં આતંકવાદીઓ માટે શસ્ત્રો મોકલવામાં આવે છે અને ડ્રગ્સની હેરાફેરી માટે પણ ડ્રોન વપરાય છે. ભારતની સરહદમાં ડ્રગ્સનો મોટો જથ્થો ડ્રોન મારફત ઘૂસાડવાની કોશિશ થઈ રહી હોવાનું બીએસએફના અહેવાલમાં કહેવાયું હતું.