જામીન પર ટિપ્પણી

બહુચર્ચિત

દિલ્હીમાં બહુચર્ચિત શરાબ નીતિ કૌભાંડ અને તેની સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિનાં નેતા કે.કવિતાને સુપ્રીમ કોર્ટે જે રીતે એ પ્રશ્ર્ન કરતાં જામીન આપ્યા કે આખરે તેમના વિરુદ્ધ પુરાવા ક્યાં છે, તેનાથી સીબીઆઇ અને ઇડી કઠેરામાં ઊભેલી દેખાઈ રહી છે. તેમ છતાં પણ એવું ન કહી શકાય કે સુપ્રીમ કોર્ટ એવા કોઈ નિષ્કર્ષ પર પહોંચી ગઈ કે કોઈ કૌભાંડ જ નથી થયું.

એ ઠીક છે કે તેણે સીબીઆઇ અને ઇડીને પૂછયું કે આખરે પ્રમાણ ક્યાં છે, પરંતુ એની પણ અવગણના ન કરી શકાય કે તેણે કે.કવિતાને જામીન આપતાં તેમના પર કેટલીક શરતો લગાવી અને તેમને નિર્દેશિત કર્યા કે જામીન દરમ્યાન તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરવા અને પુરાવા સાથે છેડછાડ કરવાની ચેષ્ટા નહીં કરે. તેનો મતલબ છે કે સુપ્રીમ કોર્ટે જામીન તો આપ્યા, પરંતુ ક્લીનચિટ નથી આપી.

સમસ્યા એ છે કે આ પ્રકારના મામલે ન્યાયાધીશોની ટિપ્પણીઓ કંઇક જુદું જ વનિત કરે છે. કેટલીય વાર એવી ટિપ્પણીઓ ચુકાદાનો ભાગ પણ નથી હોતી. આખરે ન્યાયાધીશો જે કહે છે તે પોતાના ચુકાદામાં લખતા કેમ નથી? યાન રહે કે કેટલીય વાર તેમની મૌખિક ટિપ્પણીઓને આધાર બનાવીને જામીન મેળવનારા નેતાઓ અને તેમના સમર્થકો એવો માહોલ ઊભો કરે છે કે તેમના પર લગાવેલ આરોપો નિરાધાર છે અને જે કૌભાંડમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી, તે થયું જ નથી. આ વખતે પણ એવું જ કરાઈ રહ્યું છે.

કે.કવિતા અને તેના પહેલાં મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ પણ એમ ન કહી શકાય કે આ કેસમાં અંતિમ ચુકાદો આવી ગયો છે. નેતાઓના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસોમાં અંતિમ ચુકાદો વહેલી તકે આવે તેના માટે તપાસ એજન્સીઓએ પણ સક્રિયતા દેખાડવી પડશે અને ન્યાયાલયોએ પણ. જરૃરિયાત એની જ નથી કે સીબીઆઇ અને ઇડી એ સ્પષ્ટ કરે કે તેમણે વારંવાર એવા સવાલોનો સામનો કેમ કરવો પડે છે કે પુરાવા ક્યાં છે?

તેની સાથે જ એ પ્રશ્ર્નનો પણ જવાબ મળવો જરૃરી છે કે ટ્રાયલ શરૃ થવામાં બિનજરૃરી વિલંબ કેમ થાય છે? યાન રહે કે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે ટ્રાયલમાં વિલંબનો જે ઉલ્લેખ કર્યો હતો, તે જ કે.કવિતા કેસમાં પણ કર્યો. ખબર નહીં કે.કવિતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળે છે કે નહીં, પરંતુ તેનો ઇનકાર ન કરી શકાય કે દેશમાં રાજકીય ભ્રષ્ટાચાર છે અને એના પર લગામ લગાવવાની જરૃર છે.

આ સંદર્ભે એટલાથી સંતુષ્ટ ન થઈ જવાય કે વડાપ્રધાન રાજકીય ભ્રષ્ટાચારનો ખાતમો કરવા માટે કમર ક્સેલી છે અને હાલમાં જ સ્વતત્રતા દિવસે લાલ કિલ્લા પરથી તેમણે એવું કહ્યું પણ ખરું. રાજકીય ભ્રષ્ટાચારનો ખાતમો ત્યાં સુધી પ્રભાવી રીતે નહીં થાય, જયાં સુધી તપાસ એજન્સીઓ અને અદાલતો પોતાનું કામ તત્પરતાથી નથી કરતી.