નવીદિલ્હી, સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, જામીનની શરત તરીકે વ્યક્તિને રાજકીય પ્રવૃતિ કરતો અટકાવી શકાય નહીં. ઓડિશા હાઈકોર્ટે એક વ્યક્તિને જામીન આપતી વખતે આવી શરત મુકી હતી. જેને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. હાઈકોર્ટે ઓગષ્ટ ૨૦૨૨માં વ્યક્તિને જામીન આપતી વખતે કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃતિ સાથે નહીં સંકળાવાનો આદેશ આપ્યો હતો. જજ બી.આર.ગવઈ અને સંદીપ મહેતાએ હાઈકોર્ટના ૧૮ જાન્યુઆરીના આદેશ સામે ચુકાદો આપ્યો હતો. બરહામપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચુંટાયેલા સિબા સંકરદાસની અરજીની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે જામીનની શરત રદ કરી હતી.
અગાઉ હાઈકોર્ટે જામીન માટેની શરત પાછી ખેંચવાની અરજી ફગાવતા જણાવ્યું હતું કે, તેમના (સિબાદાસ) કારણે જનતામાં કોઈ અનિચ્છનીય સ્થિતિ ઉભી થવી જોઈએ નહીં અને તે રાજકીય પ્રવૃતિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ નહીં લઈ શકે.
સુપ્રીમકોર્ટે ૨૨ માર્ચના ચૂકાદામાં જણાવ્યું હતું કે, ’અમને જણાયું કે આવી શરત અરજદારના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે અને આવી કોઈ શરત લાદવી જોઈએ નહીં. એટલ અમે હાઈકોર્ટે લાગુ કરેલી શરતને રદ કરીએ છીએ.’ દાસે ૧૧ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ જામીન સાથેની શરત પાછી ખેંચવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
દાસના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ’અરજદાર રાજકીય વ્યક્તિ હોવાને કારણે આગામી લોક્સભા ચૂંટણીને જોતાં તેને રાજકીય પ્રવૃતિમાં ભાગ લેવાની છૂટ આપવી જોઈએ.’ જો કે, રાજયએ તેની વિનંતી સામે વાંધો લેતાં જણાવ્યું હતું કે, ’જામીન પર છુટયા પછી તેના પર હત્યાનો હુમલો થયો હતો.’
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, બંને પક્ષકારોને સાંભળીને અને વર્તમાન સ્થિતિ પર વિચારણા કરતાં એ હકીક્ત છે કે તે અન્ય કેસોમાં સંડોવાયેલો હતો એટલું જ નહીં પણ તેની હત્યા કરવાનો પ્રયાસ પણ થયો હતો અને અરજદારને રાજકીય પ્રવૃતિઓમાં ભાગ લેવા જામીનની શરતમા ફેરફાર કરવી ગેરવાજબી ગણાશે.