મઘ્યપ્રેદશ : મઘ્યપ્રેદશના રતલામ જીલ્લામાં જમીનમાં દાટેલું ધન કાઢવાની લાલચ આપીને તાંત્રિકે એક જ પરિવારની ત્રણ મહિલાઓને પોતાની વાસનાની શિકાર બનાવી હતી. આ અંગે ફરિયાદ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. કથિત તાંત્રિક બલવૂર સિંહ તેના પિતા મહાવીર બૈરાગી સાથે રાજસ્થાનના ચિત્તોગઢથી એક અઠવાડિયા પહેલા જ કોઈ કામથી રતલામ આવ્યો હતો. આલોટ રેલ્વે સ્ટેશન પર પીડિત પરિવારના એક સભ્યના મિત્ર સાથે તાંત્રિકની ઓળખાણ થઈ હતી. તાંત્રિકે તેને જમીનમાં દાટેલુ ધન કાઢવા કહ્યું હતું.
તાંત્રિકે ધન કાઢવાની લાલચ આપીને પરિવારના સભ્યોને પોતાની જાળમાં ફસાવ્યા હતા અને તેમની સાથે જ રહેવા લાગ્યો હતો. પીડિતાના જણાવ્યા મુજબ તાંત્રેકે તેને ગળામાં પહેરવા તાવીજ આપ્યું હતું. ત્યારબાદ મહિલાના પતિ અને પુત્રને દબાણ કરીને મહેંદીપુર મંદિરના દર્શન કરવા મોકલી દીધા હતા. તાંત્રિકે શરત રાખી હતી કે ઘર પર મહિલાઓ જ રહેશે તો જ તાંત્રિક ક્રિયા કરી શકશે. પતિ અને પુત્ર રાજસ્થાન સ્થિત મહેંદીપુર બાલાજી જતા રહ્યા હતા. ત્યારબાદ તાંત્રિક બલવીર સિંહે પરિવારની એક મહિલાને પાણીમાં કઈ ભેળવીને પીવડાવી દીધું હતું. અર્ધબેભાન હાલતમાં તેણે બાદમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું.
પિડીતાનું કહેવું છે કે આ જ પ્રકારે તાંત્રિકે મહિલાની દીકરી અને સંબંધીની બહેન સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. વિરોધ કરવા પર તે ચાકૂ-છરી બતાવીને ધમકી આપતો હતો. જ્યારે મહિલાની બીજી દીકરી ઘરે પહોંચી ત્યારે તેણે તાત્કાલિક પડોશીઓ અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થલે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસ તેની પુછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તાંત્રિક દ્વારા મહિલાઓ સાથે ગેરકાયદે સંબંધ બનાવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ પીડિતાઓના નિવેદન લઈ રહી છે. આરોપી વિરૂધ ૩૭૬ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.